- ડાંગ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ
- આહવા રાણી ફળિયામાં કાચુ મકાન ધરાશાઇ
- અંબિકા, પૂર્ણા, ખાપરી અને ગીરા નદીમાં પાણીની આવક
- આહવા સર્કીટ હાઉસ નજીક બે વૃક્ષ ધરાશાઇ
- નદીઓ બે કાંઠે વહેતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો
ડાંગઃ જિલ્લાનાં ગામડાઓમાં સતત બે દિવસથી ધોધમાર વરસાદ તૂટી પડતા જિલ્લાની અંબિકા, પૂર્ણા, ખાપરી અને ગીરા નદીમાં પાણીની આવક વધતા નદી બન્ને કાંઠે વહેતી થઇ છે. આહવા પંથકમાં ધોધમાર વરસાદ અને પવનનાં સુસવાટાથી આહવાના રાણી ફળિયામાં એક કાચુ મકાન પડી ગયુ હતું. જ્યારે આહવા સર્કીટ હાઉસ નજીક બે વૃક્ષો ધરાશાઇ થયા હતા.
રાજ્યનાં છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં છેલ્લા બે દિવસથી વિધિવત રીતે વરસાદી માહોલનો પ્રારંભ થતા ડાંગી ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો હતો. જિલ્લાની નદીઓ અંબિકા, પૂર્ણા, ખાપરી અને ગીરા નદી બન્ને કાંઠે થઈ હતી. ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસતા સમગ્ર પંથકમાં પાણીની રેલમછેલ થઈ હતી અને ડાંગ જિલ્લાનું પ્રાકૃતિક વાતાવરણ અતિ મનમોહક બન્યું હતું.
શામગહાન, સાકરપાતળ, વઘઇ, ઝાવડા, ભેંસકાતરી, કાલીબેલ, બરડીપાડા, સુબીર, લવચાલી, પીપલાઈદેવી, ચીંચલી, પીપલદહાડ, આહવા, બોરખલ, ગલકુંડ, સાવરખડી, ટેકપાડા તેમજ ઉપરવાસનાં વિસ્તાર સહિત સરહદીય પંથકોમાં બુધવારે અને ગુરુવારે ધોધમાર વરસાદ વરસ્યો હતો.