વલસાડ જિલ્લાના પારડી તાલુકાના કલસર પોલીસ ચેક પોસ્ટ પર એક ઈન્ડિગો કાર છેલ્લા 5 મહિનાથી સડી રહી છે. વડોદરા પાર્સિંગની આ કાર 5 મહિના પહેલા પ્રોહિબિશન એક્ટ હેઠળ પકડાઈ હતી. પોલીસને કારમાંથી 5 પેટી દમણિયો બનાવટનો દારૂ મળી આવ્યો હતો. ચોંકાવનારી વાત છે કે, પાંચ મહિનાથી સડી રહેલી આ કાર પર મોટા અક્ષરોથી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા લખેલું છે. આ કાર વડોદરાના કોઈ અભિષેક નામના વ્યક્તિના નામ પર રજીસ્ટર્ડ છે. પાંચ મહિનાથી ધૂળ ખાઈ રહેલી આ કાર અંગે ફરજ બજાવતા પોલીસ કર્મીઓને પૂછતાં દારૂના નશો કરેલ કેસમાં પકડેલ હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
આ કાર પર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા લખેલું હોવાથી જે તે સરકારી વિભાગમાં આ કાર કોન્ટ્રક્ટ ઉપર ચાલતી હોય એવું પણ બની શકે છે. ત્યારે 4 થી 5 માસથી પડી રહેલ કાર તાત્કાલિક તપાસના આદેશ આપવા જોઈએ. અથવા તો કારને ઉંચકીને પોલીસ મથકે મોકલી આપવી જોઈએ કે, લાગતા વળગતાઓ સામે કડક કાર્યવાહી કરવી જોઈએ.
ઉલ્લેખનીય છે કે, કલસર ચેકનાકું પારડી પોલીસના આધીન આવતું હોવા છતાં પકડાયેલી કારને પોલીસ વિભાગના કબ્જામાં રાખવાને બદલે પાંચ મહિનાથી કલસર ચેક નાકાની બાજુમાં જ પાર્ક કરી દેવામાં આવી છે. આ બાબતે જયારે પારડી પોલીસ મથકમાં પૂછપરછ માટે સંપર્ક કર્યો ત્યારે, પોલીસ મથકના સંબંધિત અધિકારીઓએ આ બાબતે કારમાં બેસેલા વ્યક્તિઓ દમણથી દારૂનો નશો કરીને આવતા તેઓની સામે દારૂ પીધેલાનો કેસ કરેલ હોવાનું પોલીસે જણાવ્યું હતું.
હાલ તો ધૂળ ખાઈ રહેલી આ કાર પર કેટલાક ટીખળ ખોરો પ્રેમ ભર્યા શબ્દો લખીને તેને શણગારી રહ્યા છે. અહીંથી રોજના પસાર થતા લોકો કિનારે પડી રહેલી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા લખેલી કારને જોઈને મનમાં અનેક સવાલો ઉઠાવી આશ્ચર્ય પામી રહ્યા છે.