- પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ડેભારી દ્વારા કોયડમ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો
- રક્તદાન કેમ્પમાં 42 જેટલા રકતદાતાઓએ રક્ત દાન કર્યું
- રક્તદાન કેમ્પમાં 42 યુનિટ બ્લડ કલેક્શન કરવામાં આવ્યું
મહીસાગરઃ લુણાવાડામાં કોરોના વાઇરસની વૈશ્વિક મહામારી વચ્ચે પણ જિલ્લાની એનેમીક સગર્ભા મહિલાઓને તેમજ થેલેસેમિયાના દર્દીઓ સાથે કોરોનાના દર્દીઓને નિ:શુલ્ક ધોરણે અવિરત પણે રક્ત મળી રહે અને રક્તના અભાવે નિરોગી થવામાં અવરોધ ઉભો ન થાય તે માટે હેલ્થ એન્ડ વેલનેસ કેન્દ્ર કોયડમ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
જિલ્લા કલેકટર આર.બી.બારડ અને જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીના માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.એસ.બી.શાહની રાહબરીમાં ડેભારી પ્રાથમિક આરોગ્યના મેડિકલ ઓફીસર અને રેડ ક્રોસ સોસાયટીની ટીમ દ્વારા હેલ્થ એન્ડ વેલનેસ કેન્દ્ર કોયડમ ખાતે યોજવામાં આવેલા રક્તદાન કેમ્પમાં 42 જેટલા રકતદાતાઓએ પોતાના રક્તનું દાન કરીને કોરોના સામેની લડતમાં પોતાનું યોગદાન આપી ઉત્તમ ઉદાહરણ પૂરૂં પાડી અન્યોને પ્રેરણા પૂરી પાડી હતી.
આ રક્તદાન કેમ્પમાં કોરોના વાઇરસના સંક્રમણને નિયંત્રણમાં રાખવા માટેના સરકારની ગાઇડલાઇનના દિશાનિર્દેશોનું પાલન અને ફરજિયાત માસ્કનો ઉપયોગ તેમજ સામાજિક અંતર જાળવવાનું સંપૂર્ણપણે પાલન કરવામાં આવ્યું હતું.
આ રક્તદાન કેમ્પનું ખૂબજ કાળજીપૂર્વક અમલીકરણ કરવામાં આવ્યું હતું. જેથી કોઈ પણ રક્તદાતાને
કોરોના વાઇરસનો ચેપ ન લાગે તે માટે દરેક ડોનરને નવી બેડશીટ પાથરીને જ રક્તદાન કરાવવામાં આવ્યું હતું.
આ રક્તદાન કેમ્પમાં દાતાઓ જ્યારે કેમ્પના સ્થળે આવ્યા ત્યારે તેમને થર્મલ ગનથી આરોગ્ય તપાસ કરી તેમના હાથ સાફ કરવા માટે હેન્ડવોશ તેમજ સેનેટાઈઝરની વ્યવસ્થા કરવામાં આવી હતી. જ્યારે સિનિયર મેડિકલ ઓફિસર બિરેન્દ્રસીંગે રક્તદાન કેમ્પમાં કોરોનાને ધ્યાને લઇ સાવચેતીના તમામ પગલા સુનિશ્ચિત કરવાની સાથે રક્તદાતાઓને બેડશીટ બદલવાની અને તમામ સામગ્રી જંતુ રહિત રહે તેનું સુચારુ આયોજન કર્યું હતું.
આ સાથે રકતદાન કેમ્પમાં રકતદાન કરનાર દરેક રકતદાતાને રેડક્રોસ સોસાયટી પંચમહાલ દ્વારા પ્રમાણપત્ર અને પાણીની બોટલ આપવામાં આવી હતી. આ રક્તદાન કેમ્પમાં 42 યુનિટ બ્લડ કલેક્શન કરવામાં આવ્યું હતું.
રક્તદાન એ શ્રેષ્ઠ મહાદાન છે જે કોરોનાના દર્દી, એનેમિક સગર્ભા બહેનો અને થેલેસેમિયાના દર્દીઓને પણ જરૂર પડે તો આ સંગ્રહ કરેલા રક્તનો પ્રવાહ પહોંચાડી શકાય તે માટે કોરોના મહામારીના સમય વચ્ચે પણ આ રક્તદાન કેમ્પ જન ઉપયોગી બની રહેશે.