આણંદઃ આણંદ નજીક આવેલા ગામડીના ત્રીકમ નગર રેલવે ફાટક પાસે જુગાર રમાતો હોવાની બાતમીના આધારે રેડ કરવા ગયેલા LCB પોલીસની ટીમ પર ટોળાએ હુમલો કર્યો હતો. જેમાં પકડાયેલા જુગારીઓને છોડાવવા માટે લોકરક્ષક જવાન પધાર્યા અને લોખંડની પાઇપ વડે હુમલો કરી ગંભીર જીવલેણ ઇજા પહોંચાડવામાં આવી હતી. આ ઘટનામાં LCB પોલીસે છ આરોપીઓને ઝડપી પાડયા હતા, જ્યારે અન્ય શખ્સ ફરાર થઈ ગયા હતા. આ બાબતે આણંદ ટાઉન પોલીસ મથકે 13 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ઘટનાની પ્રાપ્ત માહિતી અનુસાર ગામડીના તિલક નગર વિસ્તારમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે આણંદ LCBના હેડ કોન્સ્ટેબલ રફિકભાઈ જાલમસિંહ મોઇનુદ્દીન લોકરક્ષક બહાદુરભાઇ હર્ષદભાઈ સહિતના જવાનોનો રાત્રીના અગિયાર કલાકના સુમારે જુગારધામ પર છાપો મારવા ગયા હતા, ત્યારે થડ પર જુગાર રમતા જુગારીઓમાં નાસભાગ મચી ગઇ હતી.
LCB પોલીસે જુગારના સ્થળેથી અરુણ ચૌહાણ, ગોવિંદ કાંતિભાઈ ચાવડાને ઝડપી પાડ્યા હતાં. જેઓની પાસેથી જુગાર રમવાના પાના-પત્તા એક મોબાઇલ ફોન અને રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો, તે દરમિયાન જુગાર રમતા પકડાયેલા આરોપીઓને છોડાવવા કેટલાક ઇસમો હાથમાં ધારિયા લાકડીઓ પાઇપ જેવા હથિયારો સાથે આવી પહોંચ્યા હતા અને ત્યારે એક સાથે આવેલા ટોળાએ પકડાયેલા આરોપીઓને છોડાવી જવાના ઇરાદે LCBની ટીમ ઉપર હીંચકારો હુમલો કર્યો હતો.
હથિયાર સાથે આવી પહોંચેલા ટોળાએ અચાનક પોલીસના જવાનો પર હુમલો કરતા લોકરક્ષક બહાદુરભાઇને ઘેરી લઇ મુછડીયાની નિશાન્ત ઉર્ફે બાદશાહએ બહાદુરભાઇને માથામાં ધારીયું મારી જીવલેણ ઈજાઓ પહોંચાડી હતી. જ્યારે અન્ય લોકોએ લાતો અને ગડદાપાટુનો માર મારી ઇજાઓ પહોંચાડી હતી, હેડ કોન્સ્ટેબલ સંદિપકુમારને લાકડી મારી ઇજાગ્રસ્ત કર્યા હતા. આ બનાવ અંગે એલ.સી.બી પોલીસે આણંદ ટાઉન મથકે જાણ કરતા ટાઉન પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો દ્વારા ઘટના સ્થળે ધસી જઇ સ્થિતિ પર નિયંત્રણ મેળવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, પોલીસ બેકઅપ ઘટના સ્થળે પહોંચતા હથિયારો સાથે હુમલો કરેલા ટોળામાંથી અમુક શખ્સો ઝડપાઈ ગયા હતા. જેમાં શૈલેષભાઈ મોહનભાઈ વાઘેલા,ખુમાનભાઈ ચૌહાણ, રાજુભાઈ ખેંગારભાઈ ચૌહાણ,રાજુભાઈ લક્ષ્મણભાઈ ચૌહાણ,પ્રવીણભાઈ ખેંગારભાઈ ચૌહાણ, જીગ્નેશભાઈ ખેંગારભાઈ ચૌહાણ વગેરેના હથિયારો સાથે ઝડપી લીધા હતા. જ્યારે અન્ય શખ્સો ફરાર થઈ ગયા હતા. ઘવાયેલા પોલીસ કર્મચારીને તાત્કાલિક સારવાર માટે શહેરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે શહેર પોલીસે 13 વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.