પોરબંદર જિલ્લામાં ટળ્યું વાવાઝોડાનુ સંકટ
બીજા દિવસે બપોરનું ભોજન કરીને બાળકો સાથે પરિવારો ઘરે રવાના
સુરક્ષિત રાખવા બદલ માન્યો સરકાર- જિલ્લા વહીવટીતંત્રનો આભાર
પોરબંદર: ટૌકતે વાવાઝોડાની સંભવિત અસરને પહોંચી વળવા તથા વાવાઝોડાની અસર કોઈ પરિવારને ન થાય તે માટે પોરબંદર જિલ્લાના દરિયાકાંઠાના ગામોમાં રહેતા લોકો, શહેરના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા 25000 જેટલા લોકોનું જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આશ્રયસ્થાનો પર સ્થળાંતર કરાયું હતું. વાવાઝોડાનું સંકટ ટળ્યું હોવાથી તથા જિલ્લાની સ્થિતિ સારી હોવાથી વિવિધ વિસ્તારોમાંથી સ્થળાંતર કરાયેલા લોકોને આજે બીજા દિવસે બપોરનું ભોજન કરાવીને બસ મારફત સુરક્ષિત રીતે પોતાના ઘરે મોકલવામાં આવ્યા હતા.
શહેરીજનો અને ગ્રામજનોએ રાજ્ય સરકારનો તથા જિલ્લા વહીવટીતંત્રનો આભાર વ્યક્ત કર્યો
પોરબંદરનાં બાલુબા વિજ્ઞાન ભવન ખાતે શરૂ કરાયેલ શેલ્ટર હોમમા આશ્રય લઇ રહેલા રાધેશ્યામભાઇએ કહ્યુ કે, વાવાઝોડુ આવવાનુ હોવાથી સરકારી અધિકારીઓ અમારા વિસ્તારમાં આવેલા. અમે ચોપાટી નજીક રહેતા હોવાથી વાવાઝોડાની વધુ અસર થાય. એટલે અહીં શાળામાં અમને બધાને બસમાં લઇ આવી અમને રહેવાનું, જમવાનુ આપ્યુ. હવે વાવાઝોડાનું સંકટ ટળતા અમને અત્યારે ભર પેટ જમાડીને બસ મારફત સુરક્ષીત રીતે ઘરે પહોંચાડવાની વ્યવસ્થા કરી એ બદલ રાજ્ય સરકારનો તથા જિલ્લાના અધિકારીઓ, કર્મચારીઓનો આભાર માની સંતોષ વ્યક્ત કર્યો હતો.