પોરબંદરની 108 એમ્બ્યુલન્સના કર્મીએ દર્દીનો જીવ બચાવ્યો
દર્દીનું ઓક્સિજન લેવલ નીચે જતા 108 એમ્બ્યુલન્સના કર્મીએ શ્વાસ આપી જીવ બચાવ્યો
108 દ્વારા એક મહિનામાં 700થી વધુ કોરોનાના દર્દીઓને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા
પોરબંદર: કોરોનામાં દર્દીના શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ 95થી નીચે જાય ત્યારે તાત્કાલિક દર્દીને હોસ્પિટલાઇઝ કરવા પડતા હોય છે. પોરબંદર જિલ્લામાં દર્દીઓને તાત્કાલીક હોસ્પિટલે લઈ જવામાં રાજ્ય સરકારની 108 એમ્બ્યુલન્સએ દર્દીઓની વધેલી સંખ્યા વચ્ચે બખૂબી કામગીરી નિભાવી છે. દર્દીઓ માટે લાઈફલાઈન બનેલી 108 ની વાત કરીએ તો પોરબંદર જિલ્લામાં કુલ 8 ઓન રોડ એમ્બ્યુલન્સ અને 1 બોટ એમ્બ્યુલન્સ થઈને કુલ 9 એમ્બ્યુલન્સ છે.તેમાંથી 2 એમ્બ્યુલન્સ પોરબંદર સિટીમાં, 1 એમ્બ્યુલનસ અડવાણા, 1 એમ્બ્યુલન્સ રાણાવાવ, 1 એમ્બ્યુલન્સ રાણા કંડોરણા, 1 એમ્બ્યુલન્સ કુતિયાણા, 1 બળેજ અને 1 માધવપુર ખાતે મૂકવામાં આવેલી છે.

108 એમ્બ્યુલન્સનો તમામ સ્ટાફ દિવસ-રાત દર્દીની સેવામાં સમર્પિત
આ 9 એમ્બ્યુલન્સમાં 18 EMT અને 15 પાઇલોટ જે દિવસ રાત ખડે પગે ફરજ બજાવે છે.ગયા એપ્રિલ માસ દરમિયાન પોરબંદર 108 દ્વારા કુલ 503 કોરોનાના દર્દીઓને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે. જ્યારે મે માસ દરમિયાન, અત્યાર સુધીમાં કુલ 240 દર્દીઓને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.આ કપરા સમય દમિયાન દર્દીઓની સેવા દરમિયાન પોરબંદરના ૨ EMT લાલજી વેગડ અને મિરલ બેન ઝાલા કોરોનાથી સંક્રમિત થયા હતા .જેમાંથી લાલજી વેગડ 7 દિવસમાં કોરોનાને મ્હાત આપી ફરજ પર હાજર થઈ ગયા છે.

રતનપર ગામના વતની ઇ.એમ.ટી રાજેશ જોશીની કામગીરી બીજા સ્ટાફને પણ પ્રેરણા આપી રહી છે.

તાજેતરમાં પોરબંદરના નરસીંગ ટેકરી વિસ્તારમાં રહેતા 32 વર્ષીય મહિલા દર્દી દર્શનાબેન મકવાણા ને રાજકોટ ઈમરજન્સીમાં લઇ જવાતા હતા ત્યારે આ દર્દીને રસ્તામાં ઓક્સિજન 50થી નીચે ઉતરી ગયું હતું. આ સંજોગોમાં સમય સુચકતા વાપરી રાજેશભાઈએ અમ્બુ બેગ દ્વારા ઓક્સિજનના કુત્રિમ શ્વાસોશ્વાસ આપતા દર્દીનું ઓક્સિજન પ્રમાણ 80 સુધી પહોંચી ગયું હતું. જેથી તેમને હોસ્પિટલ સુધી પહોંચાડી દેવાતા હોસ્પિટલમાં સારવાર મળી જતાં તાજેતરમાં આ મહિલા દર્દીએ કોરોનાને મહાત આપતા રજા આપવામાં આવી હતી.પોરબંદર 108 એમ્બ્યુલન્સનો તમામ સ્ટાફ દિવસ-રાત દર્દીની સેવામાં સમર્પિત છે .
