તાપી: લોક સહકારથી અને લોકો સાથે મળી વન્ય પ્રાણીઓના સંરક્ષણ માટે તાપી જિલ્લા કક્ષાના વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી જિલ્લાના ઇકો ટુરિઝમ પોઇન્ટ પદ્મડુંગરી ખાતે કુદરતના સાનિધ્યમાં કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં આ વિસ્તારમાં જોવા મળતા દીપડા સહિતના વિવિધ પ્રાણીઓ સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ. આ વન્ય જીવોને કેવી રીતે બચાવી સંરક્ષિત કરવા અંગે ઉપસ્થિત આગેવાનો દ્વારા માહિતી આપવામાં આવી હતી.
"આ અઠવાડિયું વન્યપ્રાણીને બચાવવાની ઉજવણી થઈ રહી છે, વધુમાં તેમણે જણાવ્યું કે જે વિદેશ થી આવવા વાળા બદ્ધા પક્ષી પણ ગુજરાત ને પસંદ કરે છે રેવા માટે, ગુજરાત એ એવું કલ્ચર ધરાવે છે કે અહીં જે રહેવા વાળા લોકો છે તે વન અને વન્ય પ્રાણીને બચાવવા માટે ઇન્ટરેસ્ટ ધરાવે છે." -- ડો. શશી કુમાર (મુખ્ય વન સંરક્ષક સુરત)
વન્યજીવોનું મહત્વ: નોંધનિય છે કે, વન વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા દર વર્ષે 2 ઓક્ટોબર મહાત્મા ગાંધીના જન્મ દિવસથી એક અઠવાડિયા સુધી એટલે કે 2થી 8 ઓક્ટોબર સુધી વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. અઠવાડિયા દરમ્યાન રોજે રોજ અલગ અલગ કાર્યક્રમો જેવા કે, સાયકલ રેલી, બાઇક રેલી, અવેરનેસ પ્રોગ્રામ, નુકકડ નાટક, ચિત્ર સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા વગેરે કાર્યક્રમો થકી સમાજમાં વન્યજીવો વિશે જાગૃતતા તેમજ માનવ જીવનમાં વન્યજીવોનું મહત્વ સમજાવવામાં આવે છે.
સદભાવના કેળવવા અપીલ: કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી ડૉ.શશીકુમાર મુખ્ય વન સંરક્ષક-સુરત વન વર્તુળ દ્વારા તમામ વન વિભાગના અધિકારી કર્મચારીઓને વન્યજીવોને બચાવવાના કામમાં વધુમાં વધુ નાગરિકોને જોડવા અપીલ કરી હતી. તેમણે ખાસ કરીને સ્થાનિક યુવા યુવતીઓને વન્ય પ્રાણીઓની બચાવ કામગીરીનો ભાગ બનવા અને લોકોને પ્રાણીઓ પ્રત્યે સદભાવના કેળવવા અપીલ કરી હતી. તેમણે વધુમાં ઉમેર્યું કે, એક જવાબદાર અધિકારી-કર્મચારી તરીકે સૌના ઘણા બધા રોલ હોય છે. કોઇ પણ કામ એક ઝુંબેશ ત્યારે બને જ્યારે તેમાં સ્થાનિક લોકો સહભાગી બને. તેમણે વન્ય પ્રાણીઓને બચાવવા સ્થાનિક નાગરિકો જાગૃત કરવા ખાસ અનુરોધ કર્યો હતો.