તાપી : તાપીના સોનગઢ તાલુકાના ડોસાવાડામાં સગા પિતાએ જ પોતાના પુત્રની નજીવી બાબતે હત્યા કરી નાખી છે. મૃતક પુત્રની પત્નીએ પોલીસ ફરિયાદ કરતા સોનગઢ પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી છે. ડોસવાડા ગામની બંગલી ફળિયામાં હત્યાની ઘટનાને પગલે પુત્રવધૂની ફરિયાદ આધારે હત્યારા પિતાની અટક કરી છે.
માતાપિતાનો ઝઘડો અટકાવવા વચ્ચે પડ્યો હતો : મરનાર પરણિત યુવક તેના માતાપિતા વચ્ચે થયેલા ઝગડામાં વચ્ચે પડ્યો હતો. માતા સોનીબેન અને પિતા કાંતુભાઈ ગામીત વચ્ચે થયેલા ઝગડામાં વચ્ચે પડેલા સંદીપને પિતાએ મધરાત્રી દરમ્યાન મોતને ઘાટ ઉતાર્યો હતો. પોલીસ સૂત્રોની માહિતી અનુસાર મધરાત્રીએ પથારીમાં સૂઇ રહેલા પુત્ર સંદીપને તેના પિતા કાંતુ ગામીતે વેરભાવ રાખીને ધારદાર કુહાડીના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો હતો. આ અંગે મૃતક સંદીપની પત્ની પ્રિયંકાબેને સોનગઢ પોલીસમાં ફરિયાદ કરતા હત્યારા પિતા કાંતુભાઈ ગામીતને પોલીસે જેલ હવાલે કર્યો છે.
આ પણ વાંચો :
ભરનીંદરમાં પુત્રને હણી નાંખ્યો : સગા બાપે પરણિત પુત્રને ખોટી રીતનો વેરભાવ રાખીને પત્ની અને બાળકો સાથે જ્યારે તે સૂતો હતો, ત્યારે યેનકેન પ્રકારે રૂમમાં પ્રવેશી ગળાના ભાગે ધારદાર કુહાડી વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો. પિતા દ્વારા પુત્રની હત્યાની આ ઘટનામાં પિતાના ક્રૂર કૃત્યને લઈને પંથકમાં ફિટકારની લાગણી ઉઠવા પામી છે. જોકે પોલીસ દ્વારા ધરપકડ કરાયા બાદ પણ આરોપી પિતાને પોતાના પુત્રની હત્યાને લઇને કોઈ વસવસો હોય તેવું તેના મુખે જોવા મળ્યું ન હતું.
તાપી જિલ્લાના સોનગઢમાં પિતાએ પુત્રની હત્યા કરી હોવાનો ગુનો નોંધાયો છે. મરનાર સંદીપ પોતાના ઘરમાં સૂતેલી હાલતમાં હતાં ત્યારે પિતાએ કુહાડીના ઘા મારીને હત્યા કરી છે. હાલ આરોપીની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે... - સી. એમ. જાડેજા (ડીવાયએસપી, તાપી)
આરોપી પોલીસ કસ્ટડીમાં : પિતા દ્વારા હત્યાની ઘટનાને લઇને પોલીસ અધિકારીએ માહિતી આપી હતી કે સગા બાપ દ્વારા પોતાના પુત્ર સંદીપની હત્યા કરવામાં આવી છે. સંદીપ ભાઈના પિતા કાંતિભાઈએ ઘરના ઝઘડા બાબતે રાત્રે સૂતેલી હાલતમાં જેઓ પોતાના ઘરમાં હતાં ત્યારે તેમના પિતા દ્વારા કુહાડીના ઘા ઝીંકી હત્યા કરી છે. આરોપીને પોલીસ કસ્ટડીમાં રાખી એફએસએલ દ્વારા આગળની તપાસ કરવામાં આવી રહી છે.
પરિવારનો માળો વીંખાયો : પિતા દ્વારા મોતને ઘાટ ઉતારાયેલા સંદીપની પત્ની યુવાવયે વિધવા બની છે અને તેના માસૂમ બાળકે પિતાની છત્રછાયા ગુમાવી છે. ત્યારે નજીવા આવેશને પગલે એક હસતા રમતા પરિવારમાં શોકની કાલિમા છવાઈ ગઈ છે.