- 'મારું ગામ, કોરોનામુક્ત ગામ' અભિયાન અંતર્ગત લીધી મુલાકાત
- મુલાકાત દરમિયાન વિવિધ સમિતિઓ સાથે કરી કોરોનાલક્ષી ચર્ચા
- કોરોનાને ઝડપથી નિયંત્રિત કરવા માટે સઘન આયોજન કરાયું
તાપી: રાજ્યભરમાં કોરોનાની બીજી લહેરમાં ગ્રામ્ય વિસ્તારો સૌથી વધારે પ્રભાવિત થયા છે. જેને લઈને રાજ્ય સરકાર દ્વારા 'મારું ગામ, કોરોનામુક્ત ગામ' અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત મંગળવારે આદિજાતિ વિકાસ પ્રધાન ગણપત વસાવાએ તાપી જિલ્લાના બેડકુવાદુર આઈસોલેશન સેન્ટર, ડોલવણ આઈસોલેશન સેન્ટર, બુહારી કોવિડ-19 સેન્ટર, વાલોડ કોમ્યુનિટી હેલ્થ સેન્ટર, બુટવાડા આઈસોલેશન સેન્ટર અને વ્યારા સ્થિત રેફરલ હોસ્પિટલની મુલાકાત લઈને કોવિડ-19ને અનુલક્ષીને વિવિધ ગ્રામ્ય કક્ષાની સમિતિઓ સાથે ચર્ચાઓ કરી હતી.
વહીવટી તંત્ર અને લોકોની ભાગીદારીથી કેસ ઘટી રહ્યા છે
કોવિડ-19 મુદ્દે ધ્યાન કેન્દ્રિત કરતા ગણપતસિંહે જણાવ્યું હતું કે, ‘કોરોના મહામારી સામે આખુ વિશ્વ ઝઝુમી રહ્યું છે ત્યારે આપણો દેશ પણ એમાથી બાકત નથી. આ સમયે ગુજરાત રાજ્યમાં છેલ્લા એક અઠવાડીયાથી કોરોનાના કેસોમાં ઘટાડો જોવા મળ્યો છે. તાપી જિલ્લામાં પણ આરોગ્ય વિભાગ, રાત-દિવસ ખડે-પગે કામ કરતા ડોક્ટર-નર્સ અને વહિવટી તંત્ર તથા અન્ય વિભાગો સાથે પ્રજાના સહયોગના કારણે કોરોના ના કેસો ઘટી રહ્યા છે. કોરોના સંક્રમણની બીજી લહેરમાં દેશમાં 4 લાખ જેટલા કેસો નોંધાઈ રહ્યા છે અને રાજ્યમાં પણ કોરોનાના કેસો વધ્યા છે. પરંતુ રાજ્યમાં છેલ્લા સાત-આઠ દિવસોમાં કોરોના કેસોની સંખ્યામાં ક્રમશ: ઘટાડો નોંધાયો છે. આ સફળતા પાછળ વહિવટી તંત્રના પ્રયાસો તો છે જ પરંતુ આરોગ્ય સેવાઓ, તબીબો, લોક સહયોગના સહિયારા પ્રયાસો પણ ખુબ જ મહત્વ ધરાવે છે.’