તાપી : “રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ” અંતર્ગત “આયુર્વેદ ફોર વન હેલ્થ” થીમ અને આયુર્વેદ ફોર એવરી વન ઓન એવરી ડે, હર દિન હર કિસી કે લિયે આયુર્વેદ ટેગલાઈન હેઠળ જિલ્લા કક્ષાએ આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ : આયુષ વિભાગ દ્વારા “રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ” નિમિતે જિલ્લા કક્ષાના આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આજરોજ વ્યારાના દક્ષિણાપથ હાઇસ્કુલના ગ્રાઉન્ડ ખાતે આયોજિત આયુષ મેળા અંતર્ગત મફત આયુર્વેદ અને હોમિયોપેથી નિદાન સારવાર કેમ્પ યોજાયો હતો. ઉપરાંત અગ્નિકર્મ દ્વારા દુખાવો મટાડવાની સારવાર, પૌષ્ટિક વાનગીઓના સ્ટોલનું પ્રદર્શન, ઔષધીય વનસ્પતિ અને રસોડાના ઔષધોના પ્રદર્શન સાથે માર્ગદર્શન આપવામાં આવ્યું. આયુર્વેદ અને હોમિયોપેથી પદ્ધતિ દ્વારા જુના હઠીલા રોગોનું નિદાન કરી મફત દવાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
આયુષ મેળાનું આયોજન : આયુર્વેદના નિષ્ણાત વૈદ્ય દ્વારા પ્રાકૃતિક પરીક્ષણ કરી સારવાર આપવામાં આવી હતી. જુના સાંધા અને સ્નાયુના રોગોમાં તુરંત લાભકારી પંચકર્મ, અગ્નિકર્મ અને મર્મ ચિકિત્સાનું માર્ગદર્શન, ચામડી તથા કાન, નાક, ગળાના રોગો, સિકલ સેલમાં હોમિયોપેથીક સારવાર આપવામાં આવી હતી. ઉપરાંત બી.પી., ડાયાબિટીસ, થાઈરોઈડ, ઓબેસીટી–સ્થુળતા જેવા લાઈફ સ્ટાઈલને લગતા રોગો તેમજ માનસિક રોગો માટે યોગ નિષ્ણાંત દ્વારા યોગ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વૃધ્ધાવસ્થામાં થતા રોગોની વિશેષ સારવાર, રસોડાના ઔષધ તથા ઘરગથ્થુ ઉપચાર, લીલી વનસ્પતિઓ વિશે નિષ્ણાત તબીબો દ્વારા માર્ગદર્શન, આયુષની જીવન પધ્ધતિ અપનાવવા બાબતે દિનચર્યા-ઋતુચર્યા વગેરેનું ચાર્ટ પ્રદર્શન દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
નિઃશુલ્ક નિદાન કેમ્પ : અત્રે ઉલ્લેખનિય છે કે, વ્યારા ખાતે આયોજિત આયુષ મેળામાં કુલ 2635 નાગરિકોએ વિવિધ સારવાર અને ઉપચારનો લાભ લીધો હતો. જેમાં આયુર્વેદ નિદાન સારવાર હેઠળ 316 નાગરિકોએ હોમિયોપેથી નિદાન સારવારમાં 137, અગ્નિકર્મ ચિકિત્સામાં 153, સુવર્ણપ્રાશનમાં 57, પ્રકૃતિ પરીક્ષણ 110, Ars AIB વિતરણ 284, આયુર્વેદ અમૃત પાનક 425 તથા પ્રદર્શનના લાભાર્થીઓ 528 અને આયુર્વેદ પ્રચાર-પ્રસાર 625 લાભાર્થીઓ મળી કૂલ 2635 જનતાએ આયુષ મેળાનો લાભ લીધો હતો.
આયુષ વિભાગ દ્વારા આયોજન : આ અંગે તાપી જિલ્લાના DDO એ જણાવ્યું હતું કે, આયુષમેળામાં આયુષ એ જીવનશૈલીનો ભાગ કઈ રીતે બની શકે અને આયુર્વેદ સાથે સાથે યોગને કેવી રીતે સાંકળી શકાય, તંદુરસ્ત માણસનું નિર્માણ કઈ રીતે કરી શકાય તેની માહિતી આપી હતી. માણસ જ્યારે જન્મે છે ત્યારે દરેક તત્વો સાથે જ જન્મે છે, પરંતુ ધીમે ધીમે માણસ તેની વિસંગતતાઓને કારણે એનું સ્વાસ્થ્ય ગુમાવે છે. સ્વાસ્થ્યને ફરીથી રિસ્ટોર કઈ રીતે કરવું અને કાયમી ધોરણે રીસ્ટોર કેવી રીતે થાય તેના ભાગરૂપે આજે આયુષ મેળાનું આયોજન ભારત સરકાર અને તાલુકા પંચાયત દ્વારા કરવામાં આવેલ છે.