તાપી: બારડોલી લોકસભા બેઠકના સાંસદ પ્રભુ વસાવા સહિતના આગેવાનોના પ્રયત્નોથી આજે તાપી જિલ્લાના વડા મથક વ્યારાને એકી સાથે ત્રણ જેટલી ટ્રેનોના સ્ટોપેજ મળતા જિલ્લાવાસીઓમાં આનંદ ફેલાયો છે. આજે સંસદસભ્ય સહિતના આગેવાનોએ હમસફર ટ્રેનને આવકારી એન્જીન ડ્રાઇવરને ફૂલ આપી ટ્રેનને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. આ ટ્રેન સેવા જિલ્લાવાસીઓની સુખાકારીમાં વધારો કરશે તેવી આશા વ્યક્ત કરી હતી.
લોકોની સુવિધામાં વધારો: તાપી જિલ્લાના અને આસપાસના બધા જ લોકોને મુંબઈ જવા માટે સીધો અને સરળ તથા સુગમ સાધન સાથે સમયની બચત થશે. વ્યવસાય તથા આરોગ્યને સબંધી કામો માટે સુવિધાજનક અને સરળ વ્યવસ્થા થશે. ખાનદેશ એક્સપ્રેસનો સ્ટોપ મળવાથી તાપી જિલ્લાના વિદ્યાર્થીઓ જે મુંબઈ અભ્યાસ કરે છે તેમને સુરક્ષીત અવરજવર માટેની સુવિધાઓ પ્રાપ્ત થશે. જિલ્લાના ઘણા ખેડૂતો મસ્તસ્ય ઉદ્યોગ સાથે જોડાયેલા છે અને તેઓ નાના મોટા વેપારીઓને પાર્સલ મોકલવા તથા લાવા માટે સીધી સુવિધા પ્રાપ્ત થશે જેથી ભારતીય રેલની આવકમાં વધારો થશે.
'તાપી જિલ્લાનું મુખ્યમથક વ્યારાને ત્રણ જેટલી ટ્રેનોનું સ્ટોપેજ સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યું છે. જેમાં ખાનદેશ એક્સપ્રેસ, હમસફર એક્સપ્રેસ તથા ઉધના બનારસ એમ ત્રણ ટ્રેનો ઉપલબ્ધ થઇ છે જે ઉત્તર ભારત અને પટના જવા માટે આ વિસ્તારના લોકો માટે આશીર્વાદ રૂપ બની રહેશે. સાથે ખાનદેશ એક્સપ્રેસ છે તે બાંદ્રા ટર્મિનલ સુધી જશે. તેથી મહારાષ્ટ્ર અને ગુજરાત ના જે સમજીત રીતે અને વ્યવસાય રીતે જોડાયેલા લોકો માટે આ ટ્રેન ખૂબ ઉપયોગી બની રહેશે.' -પ્રભુભાઈ વસાવા, સાંસદ, બારડોલી