સુરેન્દ્રનગર: મુક્તાબેનની મેનેંજાઇટિસમાં આંખોની રોશની જતી રહેતાં, તેઓ ચીસ પાડી ઉઠ્યા હતા. રેટિનાની ટ્રાન્સપરન્સી ચાલી જતાં તેઓ ક્યારેય જોઈ ન શક્યા. માત્ર 7 વર્ષની ઉંમરે દ્રષ્ટી ગુમાવનારા મુક્તાબેન ડલગી એ લગ્ન કર્યા બાદ સમાજ સેવા કરવાનું નક્કી કર્યું હતું. એટલું જ નહીં નિઃસંતાન રહીને 200થી વધારે અંઘ કન્યાઓના જીવનમાં પ્રકાશ ફેલાવ્યો છે. આ કન્યાઓના લગ્ન કરાવીને જિંદગીની નવી રાહ ચીંધી છે. સુખેથી લગ્નજીવન જીવતી 200થી વધારે દીકરીઓ મુક્તાબેનને માતા અને તેમની સંસ્થાને પોતાનું પીયર સમજે છે. કન્યાઓના લગ્ન કરાવીને સંતોષ નહીં માનનારા મુક્તાબેન અને તેમના પતિ એક પરિવારની જેમ દંપતી સમસ્યાના નિરાકરણ માટેની કામગીરી પણ કરે છે. 25 સમૂહલગ્ન દ્વારા 198 અંધ બહેનોને સંસ્થા દ્વારા ઘરવખરી સહિત જીવન જરૂરીયાતનો સામાન કરિયાવર સ્વરૂપે આપી પરણાવી છે.
મુક્તાબેનના વર્ષ 1984માં પંકજભાઇ ડગલી સાથે લગ્ન થયા બાદ દંપતીએ નિ:સંતાન રહી સમાજ અને ખાસ કરીને અંધ કન્યાઓના જીવનમાં પ્રકાશ પાથરવાનું બીડુ ઉપાડ્યું હતું. વર્ષ 1996માં પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવાકુંજ સંસ્થાની સ્થાપના કરી હતી. આ સંસ્થાની સ્થાપના કરતા પહેલા મુક્તાબેને પોતાના પતિની મદદથી 31 દિકરીઓના લગ્ન કરાવ્યા હતા. મુક્તાબેન અને તેમના પતિએ અત્યાર સુધીમાં સંસ્થામાં રહેતી 200થી વધુ અંધ કન્યાઓ માટે યોગ્ય મુરતિયા શોધી તેમના લગ્ન કરાવ્યાં છે. એટલું જ નહીં, લગ્ન બાદ પણ દિકરીને સાસરે વળાવ્યા બાદ તેની તમામ જરૂરિયાત પણ પુરું પાડવામાં તેઓ તત્પર રહે છે.
અંધ દંપતીને મનમેળ ન આવે, તો બન્નેને બોલાવી સમજાવટથી સમાધાન પણ મુક્તાબેન અને પંકજભાઇ કરી આપે છે. મુક્તાબેનને વર્ષ 2001માં માતા જીજાબાઇ સ્ત્રી શકિત પુરસ્કાર, વર્ષ 2011માં ધરતીરત્ન એવોર્ડ સહિત 50થી વધુ એવોર્ડ મળી ચૂક્યા છે. સરકારે તેમને પદ્મશ્રી એવોર્ડ સન્માનિત કર્યા છે. જેમની છત્રછાયા નીચે આજે હજારો પ્રજ્ઞાચક્ષુ યુવતીઓનું જીવન નવજીવન બન્યું છે. અંધ લોકો માટે પોતાનું જીવન લોકો માટે સમર્પિત કર્યું છે. દીદીના હુલામણા નામથી ઓળખાય છે.
ઘણા વર્ષોથી અંધ બહેનોને સંસ્થામાં આશ્રય આપી સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યાં છે. તેઓ મૂળ અમરેલીના નાના આંકડિયાના વતની છે. પહેલા તેઓ અમરેલીની અંધશાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હતા, પરંતુ બાદમાં તેમણે સુરેન્દ્રનગરમાં પ્રજ્ઞાચક્ષુ મહિલાઓની સંસ્થા શરૂ કરી હતી. મુક્તાબેન અને તેમના પતિ પંકજભાઈ ડગલી બંને પ્રજ્ઞાચક્ષુ છે. જન્મ થયો ત્યારે જોઈ શકતા હતા. સાત વર્ષની ઉંમરમાં એક બિમારીને કારણે તેમને આંખો ગુમાવી હતી. તેમની સંસ્થાઓની જુદા-જુદા શહેરોમાં ચાર શાખા છે. જેમાં 850 અંધ બહેનોને આશ્રય આપેલો છે.
સુરેન્દ્રનગરની સંસ્થામાં 580 અંધ બહેનો રહે છે. જેમને મુક્તાબેન અને સ્ટાફ દ્વારા રહેવા-જમવા સહિત સંસ્થામાં બ્યુટી પાર્લર, કોમ્પ્યુટર, રસોઈ, સીવણ સહિતની ટ્રેનિંગ આપવામાં આવે છે. અંધ બહેનોની શક્તિ અને સૌંદર્ય સ્પર્ધામાં બહેનોએ ભાગ લે છે. પોતાની મેળે જાતે તૈયાર થઇ મેકઅપ કરી, સ્ટેજ પર કેટવોક કરે છે. ઇશ્વરના અન્યાયને પડકારતાં ગુજરાતનાં ‘મધર ટેરેસા’ છે. અને ખાવા,પીવા, રહેવા, કપડાલતા, શિક્ષણ, મેડિકલ, તમામ ખર્ચ સંસ્થા ઊપાડે છે. સંસ્કારોનું સિંચન, શિસ્ત, વિવેક, સભ્યતા, સંસ્કારિતા, નકારાત્મકતા દૂર કરવી, રસોઇ, તળવું, ઇસ્ત્રી કરવી, સાફસફાઇ, ઘરકામ, સોય પરોવવી વગેરે પાયાના કામ શીખવે છે. સંસ્થાની 80,000 સ્ક્વેરફીટ બીલ્ટઅપ એરિયા એટલે કે, પાંચ એકર જમીન છે અને તે માટે પણ મુક્તાબેન સરકારી અધિકારીઓ સાથે ખૂબ ઝઝૂમ્યા છે.
મુક્તાબેનના લગ્ન પ્રજ્ઞાચક્ષુ પંકજભાઇ ડગલી સાથે ‘84ની વર્ષના થયા છે. તેમણે શરત રાખી કે લગ્ન કરે, પરંતુ બાળક ન થવું જોઇએ, કેમ કે સંસ્થાની આ બધી બહેનોનાં તેઓ મા છે. સંસ્થા ‘વૃક્ષ’ નામની માસિક પત્રિકા બહાર પાડે છે તથા ‘દીદી’ નામની પત્રિકા બ્રેઇલ લીપિમાં બહાર પાડે છે. બહેનોનું આત્મબળ વધારવાની સાથે બ્રેઇલ લિપિમાં વાંચતા લખતા શીખવે છે. સંગીત વિશારદ ડિગ્રી, તબલાં, હાર્મોનિયમ વગેરે વગાડવા, કમ્પ્યુટર, બ્યુટી પાર્લર, ઇલેક્ટ્રિક ફિટિંગ અને વાયરમેનના કોર્સ શીખવાડે છે. આ સંસ્થામાં બધા જ ધર્મ,પંથની બહેનોને પ્રવેશ મળે છે. કોઇ આંધળી બાળકી છાનીમાની મૂકી જાય, કચરાપટ્ટીમાં નાખી દીધી હોય તેવી બહેનોને સંસ્થા અપનાવે છે. સંસ્થાને સારા કામને કારણે ડોનેશન મળે છે.