સુરેન્દ્રનગરના જોરાવરનગર રોડ પર ઝાલાવાડ સમસ્ત સતવારા સમાજ દ્વારા સમાજના વિદ્યાર્થીઓ અભ્યાસમાં આગળ વધે તેમજ બહારગામથી અભ્યાસ અર્થે આવતી સમાજની વિદ્યાર્થીનીઓને રહેવા સહિતની સુવિધાઓ મળી રહે તેવા ઉમદા હેતુથી બોર્ડિંગ અને કન્યા છાત્રાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેના નવા મકાનના ઉદ્ઘાટન પ્રસંગે રાજ્યના મુખ્યપ્રઘાન વિજય રૂપાણી ઉપસ્થિત રહ્યાં હતા.
આ ઉપરાંત તેમણે વઢવાણ આનંદ ભુવન ખાતે યોજાયેલ ઉદ્ઘાટન સમારોહમાં સતવારા સમાજને પ્રાસંગિક ઉદ્દબોદન કર્યું હતું. તેમજ પર્યાવરણ દિવસે ઝાલાવાડમાં દરેક સમાજ વધુ વૃક્ષો વાવી તેનો ઉછેર કરે તેવી અપીલ પણ કરી હતી. આ તકે મુખ્યપ્રઘાન રૂપાણીનું સતવારા સમાજ સહિત દરેક સમાજના લોકોએ સ્વાગત તેમજ અભિવાદન કર્યું હતું.
જયારે મુખ્યપ્રધાને સતવારા સમાજના વિકાસ માટે રાજ્ય સરકાર પણ તત્પર હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ જોરાવરનગર ખાતે નવ નિર્મિત બોર્ડિંગ અને કન્યા છાત્રાલયના ભવનનું રીબીન કાપી ઉદ્ઘાટન કરી વૃક્ષારોપણ કર્યું હતું. આ કાર્યક્રમમાં સતવારા સમાજના આગેવાનો, હોદેદારો, સંતો-મહંતો સહિત સમાજ દાતાઓ, યુવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.