સુરેન્દ્રનગર લીમડી નેશનલ હાઇવે પર બે કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા 1 વ્યક્તિનું મોત નીપજ્યું છે. જ્યારે 10 થી વધુ લોકોને ઇજા થઇ છે. મળતી માહિતી પ્રમાણે, સુરેન્દ્રનગર લીમડી નેશનલ હાઇવે પર સ્વિફ્ટ કાર, ઇકો કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ટ્રિપલ અકસ્માતમાં ઇજાગ્રસ્તોમાં 3 વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ છે. જેમને અમદાવાદ સિવિલમાં તેમજ અન્ય ઈજાગ્રસ્તોને લીબડી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.
એટલો ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો કે, સ્વિફ્ટ કારની એરબેગ પણ ખુલી ગઇ હતી. જેના કારણે એમાં બેઠેલા લોકો બચી ગયા હતાં. દુર્ઘટનાને કારણે રસ્તા પર ટ્રાફિક જામનાં દ્રશ્યો સર્જાયા હતાં. સમગ્ર ઘટનાની જાણ થતાંની સાથે જ પોલીસનો કાફલો અને એબ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. હાલ સ્થાનિક પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.