સુરેન્દ્રનગર : શહેરી વિસ્તારોમાં પીવાના પાણીના પ્રશ્નો સતત વધતા જઈ રહ્યા છે, ત્યારે સ્થાનિકો પાલિકા ખાતે રજૂઆત કરવા આવી રહ્યા છે તે છતાં પણ સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં પીવાના પાણીના પ્રશ્નો નગરપાલિકા હલ કરવામાં નિષ્ફળ નિવડી હોય તેવું લાગી રહ્યું છે. જેને લઈને સુરેન્દ્રનગર શહેરના ગણપતિ ફાટસર વિસ્તારમાં પીવાના પાણીના પ્રશ્નને સ્થાનિક લોકો અને ખાસ કરી સ્થાનિક મહિલાઓ રોડ ઉપર ઉતરી ગઈ છે.
વારંવારમાં રજૂઆત કરવા છતાં નિકાલ નહીં : ગણપતિ વિસ્તારમાં પીવાના પાણીની વિકટ સમસ્યા છે જેની વારંવાર સ્થાનિક લોકો નગરપાલિકામાં અને કલેક્ટર ઓફિસમાં રજૂઆત કરી રહ્યા છે, પરંતુ તે છતાં પણ પીવાના પાણીની સમસ્યા હાલ થતી નથી. ખાસ કરીને સુરેન્દ્રનગરનો જે ગણપતિ ફાસ્ટર વિસ્તાર આવેલો છે, ત્યાંની વસ્તી 15થી 20 હજાર સુધીની છે. આ વિસ્તારના લોકોને પાણી તેમજ પ્રાથમિક સુવિધા મામલે અનેક વખત પાલિકા અને કલેક્ટર ઓફિસમાં રજૂઆત કરી ચૂક્યા છે, તે છતાં પણ સમસ્યાનો નિવેડો આવી રહ્યો નથી. જેને લઇને સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
રોડ કર્યો ચક્કાજામ : સ્થાનિક લોકોની ધીરજ આ મામલે ખૂટતા તેઓ રોડ પર ઉતરી ચકાજામ વિસ્તાર કરી નાખ્યો હતો. અંદાજીત ત્રણ કિલોમીટર સુધીનો લાંબો ચક્કાજામ કરવામાં આવ્યો છે. જોકે આ બાબતની જાણકારી થતા વઢવાણ પોલીસ ઘટના સ્થળે દોડી આવી છે અને આ મામલે સમાધાન થાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે, પરંતુ આ સમાધાનના પ્રયાસો નિષ્ફળ નિવડતા હોય તેવા સાબિત થયા છે.
સ્થાનિક લોકોની માંગણી : પહેલા આ વિસ્તારમાં પ્રાથમિક સુવિધા પીવાના પાણી સહિતના જે પ્રશ્નો છે તે હાલ થવા જોઈએ તેવી માંગણી ચક્કાજામ કરનાર મહિલાઓ દ્વારા કરવામાં આવી છે. આ ઉપરાંત તાત્કાલિક ધોરણે પીવાના પાણીની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે, અંદાજીત 200થી વધુ મહિલાઓ હાલ રોડ ઉપર બેસી ગઈ છે અને આ મામલે વિરોધ પ્રદર્શન નોંધાવી રહી છે. ભરઉનાળે પીવાના પાણીની સમસ્યા વક્રતા કામ ધંધા છોડી અને મહિલાઓ તેમજ આ વિસ્તારના પુરુષોએ રોડ ચક્કાજામ કરી પાણી આપવાની માંગણી કરી છે.
મહિલાઓ દ્વારા નારાબાજી : પાણીના પ્રશ્નનો લઈને સ્થાનિકો કામ ધંધા છોડી વિરોધ કર્યો હતો. અંદાજીત ત્રણ કિલોમીટર જેટલી લાંબી લાઈનો ચક્કાજામ કરી નાખી હતી, ત્યારે પાલિકા સામે સ્થાનિક મહિલાઓ દ્વારા નારાબાજી લગાવવામાં આવી છે. નારાબાજી દરમિયાન પોલીસ ઘટના સ્થળે દોડી આવી છે અને મામલો શાંત પાડવાનો પ્રયાસ અને ચક્કાજામ દૂર કરવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે, પરંતુ પાલિકા તંત્ર દ્વારા ફક્ત સાતવના આપવા પણ લોકો સુધી પહોંચ્યા ન હોવાના કારણે રોષ જોવા મળી રહ્યો છે.
તંત્રના નામના છાજિયા : સ્થાનિક મહિલાઓએ તંત્રના નામના છાજિયા લીધા છે. થાળી વેલણ વગાડી અને વિરોધ નોંધાવ્યો છે, રસ્તા ઉપર સૂત્રોચાર કરવામાં આવ્યા છે, જ્યાં સુધી નળમાં પાણી નહીં આપવામાં આવે ત્યાં સુધી આ ચક્કાજામ દૂર નહીં થાય તેવો નારો મહિલાઓ દ્વારા લગાવવામાં આવ્યો છે કે આ વિસ્તારની મહિલાઓ અને સ્થાનિક લોકો ટસના મસ થવા તૈયાર નથી, પહેલા પાણી અને પ્રાથમિક સુવિધા આપો ત્યારબાદ આ ચક્કાજામ દૂર થશે તેવી માંગણી આ વિસ્તારની મહિલાઓને સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી છે, પરંતુ નગરપાલિકાના કોઈપણ અધિકારીઓ, આગેવાનો આ લોકોને વચ્ચે ન આવતા વધુ પડતો રોષ જોવા મળી રહ્યો છે.
33 કરોડના ખર્ચે નવસર્જન યોજના : સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકા દ્વારા 33 કરોડના ખર્ચે નવસર્જન યોજના નાખવામાં આવી છે, પરંતુ આ યોજના નિષ્ફળ નેવડી હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે છેલ્લા દસ દિવસથી આ વિસ્તારની મહિલાઓ અને સ્થાનિક લોકો પીવાના પાણીને લઈ અને રજૂઆત કરી રહ્યા છે. છતાં પણ સમસ્યાનો હલ આવી રહ્યો નથી. અંતે આ વિસ્તારના સ્થાનિકો રોડ પર ઉતરવું પડ્યું છે, ત્યારે 33 કરોડના ખર્ચે નલ સેજલ યોજનાનો શું ફાયદો આ વિસ્તારના લોકોને તેઓ એક સવાલ ઊભો થઈ રહ્યો છે.