સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્તા ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જાયો છે. સુરેન્દ્રનગર પંથકમાં અસહ્ય ગરબી બફારા બાદ વરસાદ શરૂ થતાં લોકોએ હાશકારો અનુભવ્યો છે. જિલ્લાના વઢવાણ, ધાંગધ્રા, લીંબડી, સાયલા, ચોટીલા, પાટડી સહિત ગ્રામ્યમાં વરસાદ વરસ્યો છે. ખેડૂતોને સારા વરસાદની આશા બંધાઈ હતી. તે પ્રમાણે પ્રથમ તબક્કામાં વરસાદ સારો વરસતા ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ છે.
નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા : સુરેન્દ્રનગર જિલ્લાના કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. સારા વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. પાણી ભરાતા રાહદારીઓ તેમજ વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
સુરેન્દ્રનગરમાં ક્યાં કેટલો વરસાદ : છેલ્લા 24 કલાકમાં સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકામાં 41 મીમી, દશાડા પાટડી તાલુકામાં 44 મીમી, લખતર તાલુકામાં 45 મીમી, વઢવાણ તાલુકામાં 57 મીમી, મુળી તાલુકામાં 68 મીમી, ચોટીલા તાલુકામાં 102 મીમી, સાયલા તાલુકામાં 101 મીમી, ચુડા તાલુકામાં 118 મીમી, લીંબડી તાલુકામાં 34 મીમી અને થાન તાલુકામાં 50 મીમી વરસાદ વરસ્યો છે.
વરસાદની આગાહી : ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતો દ્વારા વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોમાં પણ રાહતની લાગણી અનુભવાય હજુ પણ આગામી 28, 29, 30 જૂનના રોજ હવામાન ખાતાની આગાહી પ્રમાણે સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી સેવાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલથી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જામતા લોકોમાં ખુશીની લાગણી છવાઈ છે. ખેડૂતોને જે પ્રમાણમાં પ્રથમ તબક્કાનો વરસાદ જોતો હતો તે મળ્યો છે. ખેડૂતો ખેતી કામ પણ વળગી ગ્યા છે. તો બીજી તરફ કેટલાક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.