સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂતો દ્વારા દરેક સિઝન મુજબ મહા મહેનતે પાકોનું વાવેતર કરવામાં આવે છે. જેમાં કપાસ, એરંડા, મગફળી, જાર સહિતના પાકોનું હાલ હજારો હેક્ટર જમીનમાં વાવેતર કરવામાં આવ્યું છે, ત્યારે રાજ્યમાં અતિવૃષ્ટિ, કમોસમી વરસાદ અને વાવાઝોડાથી જિલ્લાના વઢવાણ, લીંબડી, સાયલા, મુળી સહિતના તાલુકાના ખેડૂતોએ હજારો હેક્ટર જમીનમાં કરેલા એરંડા, મગફળી, જુવાર સહિતના ઉભા પાકો પર પાણી ફરી વળ્યું હતું અને ખેતરોમાં દોઢથી બે ફુટ વરસાદી પાણી ભરાઇ રહેતા મોટા પાયે નુકસાન થયું હતું.
જેથી તાત્કાલિક રાજ્ય સરકાર દ્વારા કમોસમી વરસાદથી થયેલા નુકસાની અંગે સર્વે હાથ ધરીને વળતર ચૂકવવાની તેમજ જિલ્લામાં લીલો દુકાળ જાહેર કરવાની માગ સાથે જિલ્લા કોંગ્રેસ દ્વારા જનવેદના આંદોલન હેઠળ શહેરના આંબેડકર ચોકથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજવામાં આવી હતી.
આ રેલીમાં કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયા સહિત ધારાસભ્ય ઋત્વિક મકવાણા, સોમાભાઇ પટેલ, નૌશાદ સોલંકી તેમજ ખેડૂતો મોટી સંખ્યામાં જોડાયા હતાં. આ રેલી કલેક્ટર કચેરી ખાતે પૂર્ણ થઇ હતી અને ઉગ્ર સુત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.