ચોટીલા ડુંગરની પાછળના ભાગમાં આવેલ વીડ વિસ્તારમાં વૃક્ષ પર યુવક અને યુવતીના મૃતદેહ લટકતા હોવાની માહિતી મળતા ચોટીલા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. તપાસ કરતા મૂળ ચોટીલા તાલુકાના ગઢેચીની મનિષાબેન કનુભાઈ ચોવીસીયા અને મૂળ જસદણ તાલુકાના મોટી લાખાવડના વિપુલભાઇ પરાગભાઈ ચોવીસીયાના મૃતદેહ હોવાનું આધારકાર્ડ પરથી બહાર આવ્યું હતું.
જ્યારે છોકરીનું પર્સ અને ખાલી બોટલ પણ મળી આવી હતી. આ પ્રેમી પંખીડા ત્રણ માસ પહેલા પત્ર દ્વારા કોઈને કહ્યા વગર નાસી ગયા હતા. આ ઉપરાંત તેઓ કુટુંબીક ભાઈ બહેન થતા હોય અને સમાજ તેમને એક નહીં થવા દે તે ડરથી ચાર-પાંચ દિવસ પહેલા ડુંગરના પાછળના ભાગના વિસ્તારમાં છોકરીના દુપટ્ટા વડે અપઘાત કર્યાનું બહાર આવી રહ્યું છે અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે રાજકોટ લઇ જવાયા છે. આ બનાવની ફરિયાદ નોંધી વધુ તપાસ ચોટીલા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.