- સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કરવામાં આવ્યો સર્વે
- ચોટીલા ખાતે 54 ટકા ભક્તો કોરોનાની માનતા પૂર્ણ કરવા આવ્યા
- ચોટીલા દર્શનાર્થે 72 ટકા ભક્તોએ કોરોના વેક્સિન લીધી નથી
રાજકોટ : સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેર ખૂબ જ ઘાતક રહી છે. આવા સમયે ગુજરાતમાં પણ કોરોનાની બીજી લહેરમાં ઘણા લોકોના મોત થયા છે, જ્યારે કોરોનાની બીજી લહેર ( The second wave of the corona ) દરમિયાન કોરોનાના કેસ વધતા ખાનગી અને સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને બેડ પણ મળતા ન હતા અને દર્દીઓ ઓક્સિજનના બાટલા લઈને હોસ્પિટલ બહાર જ સારવાર લેવા માટે મજબૂર બન્યા હતા. આ સમગ્ર પરિસ્થિતિને લઈને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા અલગ અલગ મુદ્દાઓ ધ્યાનમાં રાખીને સર્વે કરવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત રાજકોટ નજીક આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ખાતે ચામુંડા માતાજીના દર્શને આવતા શ્રદ્ધાળુઓ અંગેનો એક સર્વે હાથ ધર્યો હતો.
54 ટકા ભક્તોએ સ્વિકાર્યું માનતા પૂર્ણ કરવા આવ્યા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનની ટીમ દ્વારા ચોટીલા ખાતે દર્શને આવતા ભક્તોની માનસિકતા જાણવા અને વેક્સિનેશન કેટલાએ કર્યું છે? તે જાણવા માટે સ્થળની મુલાકાત કરવામાં આવી હતી. જે દરમિયાન અહીં માતાજીના દર્શન કરવા આવતા ભક્તોની ભીડ અતિશય જોવા મળી હતી. મનોવૈજ્ઞાન ભવનના પ્રાધ્યાપકો દ્વારા સવારના 9થી 12 લોકોને પૂછીને જાણ્યું, તો મોટાભાગના ભક્તોએ માનતા લીધી હતી કે, તેમને અને તેમના પરિવારને કોરોના ન થાય તો ચામુંડા માતાના દર્શને આવશે. જ્યારે 54 ટકા લોકોએ સ્વીકાર્યું કે અમે માનતા પૂર્ણ કરવા આવ્યા છીએ.
ચોટીલા આવેલા 72 ટકા ભક્તોએ કોરોના વેક્સિન લીધી ન હતી
મનોવૈજ્ઞાનિકો દ્વારા ચોટીલા ખાતે દર્શન માટે આવેલા ભક્તોને પૂછ્યું કે, કોરોના વેક્સિનેશન કરાવ્યું છે કેમ? તેનાં જવાબમાં 72 ટકા લોકોએ ના કહી હતી. તેમજ હજૂ વેક્સિનેશન કરાવ્યું નથી અને કરાવવું પણ નથી, તેમ જણાવ્યું હતું. વેક્સિનેશન કેમ નહીં કરાવવાનું કારણ પૂછતાં ભક્તો એ જણાવ્યું હતું કે, કોરોના વેક્સિનની આડ અસર થાય છે, શરીર નબળું પડે છે, તેમજ લોકોના મૃત્યુ થયા છે, કોરોના રસી લેવાથી કોરોના થાય છે. માતાજી રક્ષા કરતા હોય પછી બીજી કોઈ બાબતની જરૂર નથી. એમ પણ જણાવ્યું હતું કે, મોટામોટા લોકો પણ માનતા લે છે, તો અમે તો સાવ નાના માણસ છીએ અમારો સહારો માતાજી સિવાય કોણ હોય?
મનોવિજ્ઞાન ભવનનું સૂચન
આસ્થા અને શ્રદ્ધાએ ભારતની જનતાનો રૂહ છે. જે માટે ગુજરાત સરકારે એવો નિયમ લાવવો જોઇએ કે, જે લોકોએ વેક્સિન લીધી હોય તેનું પ્રમાણપત્ર દેખાડે તેને જ મંદિરમાં પ્રવેશ આપવો જોઇએ. વેક્સિનેશન થયું હશે તો તે લોકો બીજાને ચેપ નહીં લગાડે. કડક અમલવારી જો આવી થાય તો કોરોના વેક્સિનેશન અભિયાનમાં મદદરૂપ થશે.
આ પણ વાંંચો -
- સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો સર્વે: પહેલા કરતા કોરાના પછી લોકોમાં 36 ટકા અંધશ્રદ્ધા વધી
- પાલનપુરમાં અંધશ્રદ્ધાએ કોરોના દર્દીનો લીધો જીવ, વીડિયો વાયરલ
- પાલનપુરમાં અંધશ્રદ્ધામાં કોરોનાગ્રસ્ત દર્દીનું થયુ મોત, પોલીસે ત્રણ લોકો સામે નોંધી ફરિયાદ
- કોરોના સામે વિજય મેળવવાનો એક જ માર્ગ સાવચેતી સાથે શ્રદ્ધા અને શાંતિ
- જૂનાગઢના કિન્નરોએ વેક્સિન લઈને રસીકરણ માટે કરી લોકોને અપીલ