સુરેન્દ્રનગરઃ ચોટીલા નેશનલ હાઇવે પર આવેલી હોટલના પાછળના ભાગમાં વિદેશી દારૂનું મોટા પાયે કટીંગ કરવામાં આવી રહ્યા હોવાની બાતમીના આધારે ચોટીલા પોલીસે દરોડો કર્યો હતો. જેમાં 15,768 વિદેશી દારૂની બોટલ ભરેલા કન્ટેનર, 4 કાર અને એક બુલેટ બાઇક સહિત રૂપિયા 70 લાખથી વધુના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીને ઝડપી લીધા હતા. જ્યારે અન્ય ત્રણ નાસી છૂટવામાં સફળ રહ્યા હતા.
મળતી માહિતી પ્રમાણે, ચોટીલા PI બી.કે.પટેલ સહિતની ટીમને બાતમી મળતા તેમણે હોટલ પર દરોડો કરતા વિદેશી દારૂનું કટિંગ કરી રહેલા શખ્સોમાં નાસભાગ મચી હતી. હોટલની પાછળ રહેલી ખુલ્લી જગ્યામાં રહેલ કન્ટેનરની પોલીસે તપાસ કરતા કન્ટેનરમાંથી 5, 15,768 રૂપિયાનો વિદેશી દારૂની નાની 5 મોટી બોટલ મળી આવી હતી. આ ઉપરાંત પોલીસે કુલ રૂપિયા 70,52,300નો મુદ્દામાલ કબજે કર્યો હતો, અને વિદેશી દારૂનું કટિંગ કરી રહેલા જીતુ ખાચર, કાળુભાઇ અભરામ સુમરા અને કન્ટેનરના ડ્રાઇવર મોટા રામ જાટને ઝડપી લીધા હતા. જ્યારે વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર ત્રણેય શખ્સો નાસી છુટ્યા હતા.
હાલ, ચોટીલા પોલીસે પ્રોહીબીશન અંતર્ગત ગુનો નોંધી નાસી છૂટેલા આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે