- ગુજસીટોકના આરોપીને પકડવા ગયેલી પોલીસ પર હુમલો
- પોલીસની વળતી કાર્યવાહીમાં ગોળી વાગવાથી 2ના મોત
- કાર્યવાહી દરમિયાન એક પોલીસ કર્મી પણ ઈજાગ્રસ્ત
સુરેન્દ્રનગર: પાટડી તાલુકાના ગેડિયા ગામમાં પોલીસ ગુજસીટોક (GUJCTOC) ના આરોપી હનીફખાન ઉર્ફે મુન્નાને પકડવા ગઈ હતી. પોલીસને જોઈને હનીફખાન અને તેના 16 વર્ષીય પુત્ર મદીનખાને પોલીસ પર તિક્ષ્ણ હથિયારો સાથે હુમલો કર્યો હતો. જેની સામે પોલીસે ગોળીબાર (Police firing) કરતા બન્નેના મોત નિપજ્યા છે. જેમાં સુરેન્દ્રનગર ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલ માલવણ પીએસઆઈ સહિત પોલીસ કર્મચારીઓની રાજકોટ રેન્જ આઇજી સંદીપસિંહએ મુલાકાત લીધી હતી.
આ પણ વાંચો: ગુજરાત પોલીસ કર્મચારીઓ માટે સારા સમાચાર, રાજ્ય પોલીસ આવાસ નિગમ દ્વારા 8,638 મકાનો થઇ રહ્યા છે તૈયાર
એક પોલીસ અધિકારી પણ થયા ઈજાગ્રસ્ત
પિતા-પુત્રએ પોલીસ પર તિક્ષ્ણ હથિયારો વડે હુમલો કરતા માલવણ પોલીસ મથકના PSI વી. એન. જાડેજાએ પોતાની સર્વિસ રિવોલ્વરથી 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેમાં બન્નેને ગોળી વાગતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા. જ્યારબાદ તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ (Rajkot Civil Hospital) લઈ જવામાં આવ્યા છે. આરોપી દ્વારા કરવામાં આવેલા હુમલામાં PSI જાડેજાને પણ ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.
આરોપી વિરૂદ્ધ 86 ગુનાઓ, 59માં ફરાર હતો
પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મુન્ના વિરૂદ્ધ ગુજસીટોક (GUJCTOC) અંતર્ગત થોડા સમય અગાઉ જ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. તે ટ્રકોમાંથી લૂંટ અને ચોરી કરતો હતો. તે તાડપત્રી ગેંગનો પણ સભ્ય હતો. તેના વિરૂદ્ધ વિવિધ પોલીસ મથકોમાં 86 ગુનાઓ નોંધાયા છે. જેમાંથી 59 ગુનાઓમાં તે ફરાર હતો.