સુરેન્દ્રનગર: વૈશ્વિક મહામારી કોરોના સંક્રમણને અટકાવવા સમગ્ર દેશમાં સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવ્યુ છે. જેથી લોકોના નોકરી ધંધા બંધ થઈ ગયા છે. લોકોની આવકના સ્ત્રોત અટકી જવાથી જીવન જરૂરીયાતની વસ્તુઓ માટે પણ મુશ્કેલીઓ આવી રહી છે. તેમની મદદ માટે દેશ રાજ્યની અનેક સેવાભાવી સંસ્થાઓ આગળ આવી છે. જે અંતર્ગત સુરેન્દ્રનગરના કૃષ્ણેશ્વર મહાદેવ મંદિર સેવા ટ્રસ્ટ દ્વારા 120 પરિવારોને અનાજની કીટનું વિતરણ કરાવામાં આવ્યુ હતું.
જેમાં કૃષ્ણેશ્વર મહાદેવ મંદિર સેવા ટ્રસ્ટ દ્વારા દાતાઓ અને પોલીસ પરિવાર તેમજ નવા રાયસંગપર ગામના સાથ સહકારથી જરૂરીયાતમંદ પરિવારોને અનાજની કીટ વિતરણ કરવામાં આવી હતી. જેમાં ૧૨૦ જેટલા પરિવારોને જિલ્લાના એસ.પી. મહેન્દ્ર બગડીયાના હસ્તે કીટનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. આ કીટમાં પ-કિલો ઘઉં, ર-કિલો ચોખા, ર-કિલો ખાંડ, ૨-કિલો મગદાળ, ૧-કિલો તુવેરદાળ, ર-લીટર તેલ, રપ૦ ગ્રામ ચા તેમજ શાકભાજીની કીટ તૈયાર કરવામાં આવી હતી.