સુરેન્દ્રનગરઃ લોકડાઉન દરમિયાન ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ખૂબ તકલીફો પડી રહી છે. ત્યારે બ્રહ્મ સમાજના ગરીબ અને જરૂરિયાત વર્ગના લોકોને મદદરૂપ થવા માટે ધ્રાંગધ્રા બ્રહ્મ સમાજ યુવક મંડળ દ્વારા પોતાના માટે કરવામાં આવતા ખર્ચની રકમમાંથી લોકોને મદદરૂપ થવાનું ઉમદા કાર્ય કરવામાં આવી રહ્યું છે.
આ વિતરણમાં ગરીબ તેમજ જરૂરિયાત વર્ગના લોકોને રાશન પૂરું પાડવામાં આવ્યું હતું. જેમાં ઘઉંનો લોટ, મરચું, હળદર, ચા, તેલ, જેવી જરૂરી વસ્તુઓની કીટ બનાવીને આ પરિવારોને આપવામાં આવી હતી. જેમાં 35 જેટલા પરિવારોને આ કીટ આપવામાં આવી હતી.
ધ્રાંગધ્રામાં રહેતા આ પરિવારોને લોકડાઉનના સમયમાં દર પંદર દિવસે આ કીટ આપવામાં આવે છે. જેમાં પંદર દિવસ ચાલે તેટલું રાશન આપવામાં આવે છે. અત્યાર સુધીમાં 135થી વધુ લોકોને આ કીટ આપવામાં આવી છે. હાલ આ વિતરણ ત્રીજી વખત કરવામાં આવ્યું છે.
આ કીટ વિતરણ કરતી વખતે પણ સોશિયલ ડિસ્ટન્સનું ધ્યાન રાખવામાં આવે છે. તેમજ માસ્કનો પણ ફરજીયાત ઉપયોગ કરવામાં આવે છે. આ મંડળના યુવકો દ્વારા થયેલા કાર્ય બાબતે બ્રહ્મ સમાજના આગેવાનો પણ માર્ગદર્શન આપી રહ્યાં છે. યુવકો દ્વારા જરૂર પડે, તો આગામી દિવસોમાં પણ આ સેવા ચાલુ રાખવા માટે તૈયારી દર્શાવી છે.