સુરેન્દ્રનગરઃ સમગ્ર રાજ્યમાં 8 વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી જાહેર કરવામાં આવી છે. ત્યારે લીંબડી વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ધારાસભ્ય સોમાભાઈ પટેલે રાજીનામું આપતા આ બેઠક ખાલી પડી હતી. જ્યાં પેટા ચૂંટણી જાહેર કરવામાં આવતા રાજકીય માહોલ ગરમાયો છે. ત્યારે આ બેઠક પર ઉમેદવારોની પસંદગીને ધ્યાને લઇ ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો દ્વારા અસમંજસ જોવા મળી હતી. જેમાં કોંગ્રેસ દ્વારા અનેક ચર્ચાઓ બાદ ચેતન ખાચરને ટિકિટ આપવામાં આવી છે. આથી કોંગ્રેસના લીંબડી બેઠકના પેટા ચૂંટણીના ઉમેદવાર ચેતન ખાચરે પોતાના મધ્યસ્થ કાર્યાલય ખાતેથી કાર્યક્રમને સંબોધીને સભા યોજ્યા બાદ લીંબડી સેવા સદન ખાતે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.
હાલની કોરોના મહામારીને ધ્યાને લઇ ફોર્મ ભરતી વખતે માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ સહીતની તમામ ગાઈડ લાઈનનું પાલન કરવામાં આવ્યું હતું. જ્યારે આ તકે કોંગ્રેસ ઉમેદવાર ચેતન ખાચરએ જંગી બહુમતીથી વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ફોર્મ ભરતી વખતે હાર્દિક પટેલ, વિરમગામ ધારાસભ્ય લાખાભાઇ ભરવાડ, ચોટીલા ધારાસભ્ય ઋત્વિક મકવાણા, જિલ્લા પંચાયત પ્રમુખ કલ્પનાબેન, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રૈયભાઈ રાઠોડ ધારાસભ્યો સહિત કોંગ્રેસના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા.