સુરેન્દ્રનગર : જિલ્લામાં કરોડોની લૂંટની ઘટના સામે આવતાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. અમદાવાદ-રાજકોટ નેશનલ હાઇવે પર લૂંટની ઘટના સામે આવી છે. અંદાજે 1400 કિલો જેટલી ચાંદીની લૂંટ થઇ હોવાની માહિતી સામે આવી રહી હતી. સાયલા નજીકથી કિંમતી મુદ્દામાલ ભરેલા વાહનને આંતરીને અજાણ્યા શખ્સોએ કરોડોની લૂંટ ચલાવી હતી. લૂંટ ચલાવી અજાણ્યા શખ્સો ત્યાંથી ભાગી છૂટવામાં સફળ થયા હતા. અંદાજે 3.88 કરોડની લૂંટ થઇ હોવાની માહિતી મળી રહી છે. આરોપીઓને ઝડપી પાડવા પોલિસે ચક્રો ગતિમાન કર્યા છે.
કરોડોની લૂંટ ચલાવી : રાજકોટ ખાતે આવેલ ન્યુ એર સર્વિસ નામની કુરિયર કંપનીમાં અલગ અલગ વેપારીઓની ચાંદી તેમજ ઈમિટેશન આઈટમો ભરેલ મુદ્દામાલ લઈ પીકઅપ વાન ડ્રાઇવર અને ક્લીનર સાથે રાજકોટથી પાર્સલ લઇ અમદાવાદ તરફ જવા નીકળ્યા હતા. ત્યારે હાઇવે પર સાયલા ગામ પાસે ત્રણ જેટલી કારમાં અંદાજે 6થી 8 શખ્શોએ આવી પીકઅપ વાનને રોકી હતી. ત્યારબાદ અંદર બેઠેલ ડ્રાઇવર અને ક્લીનરને આંતરી પીકઅપ વાન સહિત વાનમાં રહેલ અંદાજે 1400 કિલો ચાંદી અને ઇમિટેશનની આઈટમ સહિત કુલ રૂપિયા 03.88 કરોડના મુદ્દામાલની લૂંટ ચલાવી હતી. તેમજ આગળ જઈ હાઈવે પર મોરવાડ ગામ પાસે બ્રીજ નજીક ખાલી પીકઅપ વાન અને બાંધેલી હાલતમાં ડ્રાઇવર અને ક્લિનરને મૂકીને શખ્સો નાશી છૂટયા હતા.
ડ્રાઇવર અને ક્લિનરને બંઘક બનાવ્યા : આ ઘટના અંગેની જાણ કુરિયરના સંચાલકને કરવામાં આવતા તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમજ ચકચારી લૂંટના બનાવની જાણ પોલીસને થતા રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ, સુરેન્દ્રનગર dsp હરેશ દુધાત, લીંબડી dysp સી.પી. મુંધવા, એચ.પી. દોશી સહિત એલસીબી, એસઓજી સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો. નાસી છુટેલ આરોપીઓને ઝડપી પાડવા જીલ્લામાં નાકાબંધી કરવામાં આવી હતી. હાલ તો પોલીસે અલગ અલગ ટીમો બનાવી હાઇવે પર આવેલ સીસીટીવી કેમેરા ચેક કરી વધુ તપાસ હાથ ધરી છે.
લુંટ મામલે પોલિસનું નિવેેદન : સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા હરેશ દુધાત દ્વારા લૂંટ મામલે જણાવ્યું હતું કે, સાયલા પાસે ગતરાત્રે 11:30ની આસપાસ ઇમિટેશન અને ચાંદીનો સમાન લઈ જતી ન્યુ એર કુરિયરની પીકઅપ વાનને અન્ય કારમાં આવેલા 6થી 8 શખ્સો દ્વારા લૂંટીને ફરાર થઇ ગયા હતા. જેમાં અંદાજીત રૂપિયા 3 કરોડ 88 લાખના સામાનની લૂંટનો બનવા બન્યો છે. જેમાં રેન્જ આઇજીની અલગ અલગ 17 ટીમો, LCB, SOG PI સહિતની ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે.