જિલ્લાના પાટડી તાલુકાના ગેડીયા ગામના અને હાલ રતનપરના રહેમતનગરમાં રહેતા 31 વર્ષીય સમશેરખાન રહીમખાન મલેક ફાયનાન્સનો વ્યવસાય કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. પાંચેક મહિના પહેલા મહેસાણાની વાહન સીઝીંગ પાર્ટીવાળા શહેરમાં વાહન સીઝ કરવા આવ્યા હતા. આથી સમશેરખાનના મિત્ર સહદેવસિંહે તેમની મદદ કરવાનું કહેતા સમશેરખાન સાથે ગયા હતા.
જેમાં વાહન સીઝીંગ પાર્ટીએ જિલ્લા પંચાયત પાસે રહેમતુલ્લાહ ઉર્ફે ડાડો મહમદભાઇ જામનું આઇસર સીઝ કર્યુ હતું. આ વાતનું મનદુ:ખ રાખીને ડાડો જામ સહિત 11 વ્યકિતઓએ તારીખ 10 ડિસેમ્બરના રોજ સમશેરખાનને રતનપર ભોગાવા નદીના કાંઠે બોલાવી ધોકા વડે માર માર્યો હતો. તેમજ તેનો વીડિયો બનાવ્યો હતો. ત્યારબાદ ઇજાગ્રસ્ત સમશેરખાનને સારવાર માટે સી.જે.હોસ્પિટલ લઇ જવાયો હતો. પરંતુ માર મારનાર માથાભારે શખ્સો હોવાથી સમશેરખાને કોઇ પોલીસ કાર્યવાહી કરી ન હતી. આ બનાવનો વીડિયો વાયરલ થતા પોલીસે 11 શખ્સો સામે ગુનો નોંધ્યો હતો. તેમજ વિડીયો વાયરલ થયાની ગણતરીના કલાકમાંજ જોરાવનગર પોલીસે 6 આરોપીઓને પકડી પાડયા હતા. જયારે અન્ય માથાભારે શખ્સોને પોલીસે પકડવાની કામગીરી હાથ ધરી હતી.
આ બાબતે DYSP અતુલ વાળંદે જણાવ્યું હતુ કે, વીડિયો વાયરલને આધારે પોલીસે ફરિયાદ લઈને 6 આરોપીને પકડી પાડયા હતા. તેમજ ભોગ બનનારનું બાઈક પણ સળગાવી નાખ્યું હતું.