- સુરતનો એક યુવક પોલીસને બાતમી આપતો હોવાથી 3 શખ્સે તેને માર માર્યો
- યુવકના ઘર પાસે જ ત્રિકમ અને હથોડીથી માર માર્યા બાદ અપહરણ કર્યું
- યુવકને માર મારી ગંભીર હાલતમાં વ્યારાના ચાંપાવાડી ગામમાં ફેંકી નાસી છૂટ્યા
- પોલીસે આઠ વ્યક્તિ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી
બારડોલી: બારડોલી તાલુકાના તલાવડી વિસ્તારમાં રહેતા ઈમરાન હુસેન સૈયદ (ઉં.વ. 33) ડ્રાઈવિંગનો વ્યવસાય કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. ગુરૂવારે મધ્યરાત્રિ બાદ 2 વાગ્યે ત્રણ અલગ અલગ ગાડીમાં 8 જેટલા શખસ તેના ઘર નજીક આવ્યા હતા. જેમાં નવાપુરના ખાલિદ શેખ અને જહાંગીર શેખ સહિત 8 શખ્સે ઉતરીને 'તું અમારા વિશે પોલીસને બાતમી કેમ આપે છે' એમ કહી ગાળાગાળી કરી હતી. બાદમાં ઉશ્કેરાઈ ગયેલા ખાલીદ શેખે ત્રિકમના હાથાથી ઇમરાનના માથામાં વાર કર્યો હતો. જ્યારે અન્ય એક શખ્સે માથામાં હથોડી મારી ગંભીર ઇજા પહોંચાડી હતી.
કારમાં પણ મારવાનું ચાલુ રાખ્યું
ઈમરાનને ઊંચકીને તેમની ત્રણ કાર પૈકી ટાટા માન્ઝા ગાડીમાં પાછળની સીટ પર નાંખી આજુબાજુ જહાંગીર શેખ અને અન્ય એક શખ્સ બેસી ગયો હતો. કારમાં ઈમરાનના બંને હાથ પીઠ પાછળ બાંધી ગાડી હંકારી મૂકી હતી. ચાલુ ગાડીમાં પણ જહાંગીર અને તેની સાથેના શખ્સે ઈમરાનને માર મારવાનું ચાલુ રાખ્યું હતું.
યુવકને વ્યારાના ચાંપાવાડી ગામે ફેંકી ગયા
વ્યારા તાલુકના ચાંપાવાડી ગામના દાદરી ફળિયા નજીક અંતરિયાળ રસ્તા પર લઈ જઈ ત્યાં ફેંકીને નાસી છૂટ્યા હતા. પોલીસે શુક્રવારે બપોરે ઈમરાનની ફરિયાદને આધારે મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના નવાપુરના ખાલીદ શેખ, જહાંગીર શેખ અને તેમની સાથે આવેલા અન્ય 6 સહિત કુલ 8 શખસ સામે ફરિયાદ નોંધાતા પોલીસે અપહરણનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
માર માર્યા બાદ કાર ચાલક યુવકની છાતી પર બેસી ગયો
ચાંપાવાડી ગામ નજીક કારમાંથી ઉતાર્યા બાદ જહાંગીર શેખે ઈમરાનને જેકથી ડાબા હાથની કોણીમાં ફટકા માર્યા હતા અને કારચાલકે પાના વડે ફટકા માર્યા બાદ ઈમરાનને જમીન પર સુવડાવી તેની છાતી પર બેસી ગયો હતો. આ ઉપરાંત સળિયા અને પથ્થર વડે પણ માર મારી ગંભીર હાલતમાં તેને છોડી જતા રહ્યા હતા.
સ્થાનિકની મદદથી ઘરે ફોન કરી જાણકારી આપી
ઈમરાન થોડું ચાલી શકે એવી હાલતમાં હોવાથી તે નજીકમાં આવેલા એક ઘરના માલિક પાસે જઈને મદદ માગી હતી. અને ત્યાંથી તેણે પોતાની પત્નીને ફોન કરી સમગ્ર ઘટના જણાવી. બાદમાં પોલીસે લોકેશન મેળવી સ્થળ પર પહોંચી ઈમરાનને હોસ્પિટલ પહોંચાડ્યો હતો. પ્રાથમિક સારવાર વ્યારા બાદ તેને સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.