- મંગળવારે હાઇકોર્ટે અલ્પેશ કથીરિયાના (Alpesh Kathiria)જામીન મંજૂર કર્યા
- સાડા ચાર મહિના બાદ અલ્પેશ જેલ બહાર આવશે
- BTS એડવાઈઝરે કથીરિયા સામે ફરિયાદ નોંધાવી
સુરત : ભીલીસ્થાન ટાઈગર સેનાના એડવાઈઝરે પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા અલ્પેશ કથીરિયા સામે સુરત જિલ્લાના અમરોલી પોલીસ સ્ટેશનમાં લૂંટ અને એટ્રોસિટીની ફરિયાદ નોંધાવી હતી, બાદમાં મંગળવારના રોજ હાઇકોર્ટે અલ્પેશ કથીરિયાના જામીન મંજૂર કર્યા હતા. હાઇકોર્ટના આદેશ બાદ આજે ગુરૂવારના રોજ અલ્પેશ કથીરિયા 4:30 વાગ્યા બાદ જેલથી બહાર આવશે. જેને લઇને પરિવાર અને પાસ સમિતિમાં આનંદની લાગણી ફેલાઇ હતી. અલ્પેશ કુમાર જેલથી નીકળ્યા બાદમાં માં ખોડલ અને માતા ઉમિયાના મંદિરમાં જઇને દર્શન કરશે અને ત્યારબાદ વરાછા ખાતે સરદાર પટેલની પ્રતિમાને ફુલહાર કરશે. હાર્દિક પટેલ બાદ પાટીદાર અનામત આંદોલન સમિતિમાં સૌથી મોટો ચહેરો અલ્પેશ કથીરિયા છે. સાડા ચાર મહિના બાદ અલ્પેશ જેલ બહાર આવશે. અલ્પેશ જેલવાસ ભોગવી બહાર આવતાની સાથે સુરતમાં રાજકીય માહોલ ગરમાય તેવી સંભાવના. અગત્યની વાત છે કે, હાલ મોટા ભાગના પાસના કાર્યકરો આમઆદમી પાર્ટીમાં જોડાઈ ચૂક્યા છે. જ્યારે આપના કોઈ નેતા અલ્પેશને જેલમાં મળવા ગયા નથી જે અંગે પાસ કન્વીનર ધાર્મિક માલવીયાએ જણાવ્યું હતું કે, પાસને કોઈ રાજકીય પક્ષની જરૂર નથી. પાસ સમાજ માટે કામ કરે છે. આવનારા દિવસોમાં શું રણનીતિ હશે. તે તમામ સભ્યો સાથે ચર્ચા કરી જણાવવામાં આવશે.
આ પણ વાંચો: ખોડલધામ પ્રમુખ નરેશ પટેલ અને પાસ નેતા અલ્પેશ કથીરિયા વચ્ચે રાજકોટમાં બેઠક યોજાઈ
અલ્પેશ કથીરિયા જેલથી બહાર આવ્યા બાદ શું કરશે
અલ્પેશ કથીરિયા જેલથી બહાર આવ્યા બાદ શું તે રાજકારણમાં આવશે ? આપમાં જશે કે, તેને બહારથી જ સમર્થન આપશે આ પ્રશ્નોને લઈ હાલ જોરશોરથી ચર્ચાઓ ચાલી રહી છે. ખાસ કરીને સુરતના પાટીદારોનું પ્રભુત્વ ધરાવતા વરાછા, કતારગામ, કામરેજ, પુણાના પાટીદારોમાં પણ અલ્પેશની જેલ મુક્તિને લઈ ભારે ચર્ચાઓ ચાલી રહી છે. બીજી બાજુ અલ્પેશના પરિવાર અને પ્રધાનોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.
આ પણ વાંચો: અલ્પેશ કથીરિયા બર્થ ડે પાર્ટી મામલો : 4 પોલીસ કર્મી સસ્પેન્ડ