ભાઠા ભાટપોર સાર્વજનિક અશ્વ મનોરંજન સોસાયટી દ્વારા પ્રથમ વાર અશ્વ શોનું આયોજન કરવામાં આવ્યું છે. આ અશ્વ શોમાં દક્ષિણ ગુજરાત માંથી 150 થી વધુ અશ્વ ભાગ લઈ રહ્યા છે, જેનું આયોજન ભાઠા ગામ ખાતે કરવામાં આવ્યું છે. જેમાં હોલેન્ડ જેવા ઠંડા પ્રદેશનો જીપ્સી બ્રિડનો ટાઇગર હોર્સ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. ઠંડા પ્રદેશોમાં મોટા પાયે આ પ્રકારના ઘોડા જોવા મળે છે.
હાલ સુરતમાં આ જીરી જબાર નામના પારસી અશ્વ પ્રેમી પાસે આ અનોખો ઘોડો છે. જેની કિંમત 1 કરોડથી પણ વધુ છે અને નામ ટાઇગર છે. જે રીતે ટાઇગરને લોકો તેની દહાડ અને સુંદર શરીર રચના માટે ઓળખે છે, તે જ રીતે જીપ્સી પ્રજાતિના ઠંડા પ્રદેશના ટાઇગરને લોકો તેની પગની રૂમાની થાપ અને તેના શરીરના રેશમી વાળ માટે ઓળખે છે. જીપ્સી પ્રજાતિના અશ્વના ચારેય પગના અને ગરદન સહિત પૂંછડીના રેશમી રૂમાલી વાળ તેમની સુંદરતામાં વધારો કરે છે.
ટાઇગર જોવામાં જેટલો ભવ્ય છે, તે સાથે જ તેની ખાવા પીવાની પણ ખાસ કાળજી રાખવામાં આવે છે. તેને દરરોજ સવાર સાંજ 4 કિલો જવ અને ચણાની સાથે લીલું અને સુકુ ઘાસ મળી રોજ 20 કિલો જેટલો ખોરાક આપવામાં આવે છે. ઘોડાને રહેવા માટે સ્પેશિયલ ઘોડાર બનાવવામાં આવ્યો છે, જેમાં અંદરના વાતાતારણ એકદમ ઠંડુ રાખવા માટે પંખા અને કુલરની પણ સગવડ રાખવામાં આવી છે. સાથે જ મધુર સંગીતની સુરાવલીનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે.
સમગ્ર દક્ષિણ ગુજરાતના અશ્વપ્રેમીઓ દ્વારા અશ્વ શોનું આયોજન કરવામાં આવે છે. જેમાં વિવિધ જગ્યાએથી અશ્વ પ્રેમીઓ ભાગ લેવા આવ્યા હતા. આ બધા અશ્વોમાંથી ટાઈગરે લોકોના મન મોહી લીધા હતા.