સુરત : સંસ્થાના જકાતનાકા ખાતે રહેતા કાલુ વઘાસીયા સોફ્ટવેર બનાવે છે. દેશ અને વિદેશમાં રહેતા લોકો કાલુભાઈના સોફ્ટવેર વાપરે છે. કાલુભાઈ પોતાના ગ્રાહકો સાથે વાત કરવા અને સમસ્યાના નિરાકરણ લાવવા માટે ઝૂમ એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી. કાલુભાઈ યુએસમાં રહેનાર તેમના એક કલાઇન્ટ પાસે વીડિયોકોલ કર્યો હતો. જેમાં વાત થયા પછી બે દિવસ બાદ એટલે કે, 13મી એપ્રિલના રોજ હેકર્સ દ્વારા ડેટા ચોરી લેવાની જાણકારી તેમને ઇમેલ થકી આપી હતી. હેકરે કાલુભાઈને ઇમેલ પર મેસેજ મોકલ્યો હતો. જેમાં લખવામાં આવ્યું હતું કે, તેમની તમામ ગુપ્ત જાણકારીઓ તેની પાસે છે. કાલુભાઈના મોબાઈલના તમામ કોન્ટેક્ટ, તમામ તસવીરો અને કયા કયા આઈડી અને પાસવર્ડ તેઓ વાપરે છે. તેની તમામ જાણકારીઓ તેની પાસે હાલ ઉપલબ્ધ છે.
હેકરે કાલુભાઈ ને કહ્યું હતું કે, આ તમામ જાણકારીઓ શેર થવાથી તેઓ બચાવવા માંગે છે. તેઓ જે કહે તે કરવા માંગે છે. ત્યારે હેકરે જણાવ્યું હતું કે, ગુપ્ત પાસવર્ડ આઇડી અને એકાઉન્ટ નંબર છુપાવવા માટે રકમ ચૂકવવી પડશે. હેકરે કાલુભાઈ પાસે ત્રણ બિટકોઈનની ખંડણી માંગી હતી. ત્રણ બિટકોઇનની હાલ કિંમત 12 લાખ રૂપિયા છે. આ અંગે કાલુભાઈએ સીઆઇડી ક્રાઇમમાં લેખિત ફરિયાદ કરી છે.
આ અંગે તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, તેઓને અગાઉથી જ ઝૂમ એપ્લિકેશન પર શંકા હતી. આ જ કારણ છે કે, ઝૂમ એપ્લિકેશનના વપરાશ માટે તેઓએ બીજી આઈડી બનાવી હતી. જેમાં કોઈપણ પર્સનલ કે કોન્ફિડેશીયલ વસ્તુઓ રાખી નહોતી. લોકોમાં જાગૃતતા આવે આ હેતુથી તેમના એકાઉન્ટ હેક થયા બાદ તેઓએ અમદાવાદ સીઆઇડીમાં ફરિયાદ નોંધાવી છે.
અગાઉ પણ કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા ઝુમ એપ્લિકેશન અને ગ્રાહકોને ચેતવણી આપવામાં આવી હતી. તેમ છતાં અનેક લોકો અત્યાર સુધી આ એપ્લિકેશન વાપરી રહ્યા છે. પરંતુ સતત વધી રહેલા છેતરપિંડીના બનાવોને ધ્યાનમાં રાખી અનેક લોકો એપ્લિકેશનનો વપરાશ પણ બંધ કરી રહ્યા છે. તેમ છતાં એન્ડ્રોઇડ ફોનમાં આ એપ્લિકેશન ડાઉનલોડ કર્યા પછી તેને રિમુવ કરી શકાય નહિ. જેથી લોકોની પ્રાઇવેટ જાણકારી લીક થવાની ભીતિ વધી ગઈ છે.