સુરત : સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સરસ ગામે વર્ષો જૂની પરંપરા આજે પણ જીવંત છે. હોળી દહન બાદ ધગધગતા અંગારાના થર પર બાળકો,યુવાનો, વૃદ્ધો ખુલ્લા પગે ચાલ્યા હતા અને એક વ્યક્તિ દાઝ્યો ન હતો, આ પરંપરા નિહાળવા દૂર દૂરથી લોકો આવ્યા હતા. વાત કરીએ તો ઓલપાડ તાલુકાના સરસ ગામની જે વિકાસ તરફ ગતિ કરી રહ્યું છે. જ્યાં પૌરાણિક સિદ્ધનાથ મહાદેવનું મંદિર પણ છે. અહીં જ્યાં સળગતા અંગારા ઉપર ચાલવાની પરંપરા આશરે ઘણા વર્ષોથી ચાલી આવે છે અને હોળી પર્વે આ જોવા માટે દક્ષિણ ગુજરાતમાંથી લોકો ઊમટી પડે છે.આજના આધુનિક યુગમાં પણ શ્રદ્ધા અને અંધશ્રદ્ધાના અનેક દાવા-પ્રતિદાવા થતા રહે છે. ઘણા ચમત્કારમાં વિશ્વાસ કરે છે. તો ઘણા વિશ્વાસ કરતા નથી. તેમ છતાં સરસ ગામે આ પરંપરાને આગળ ધપાવે રાખી છે. ઓલપાડના સરસ ગામમાં આ વર્ષે પણ હોળી પર્વની એવી જ પરંપરાનું પાલન જોવા મળ્યું છે.
કોઇ અનીચ્છનીય ઘટના નથી બનતી : આખું ગામ 6 માર્ચના રોજ રાત્રે હોળી માતાને પ્રગટાવી પૂજા-અર્ચના કરી ભભૂકતી આગ નજીક એકત્રિત થયા હતા. બાદ ખુલ્લી જગ્યા ઉપર પાથરવામાં આવેલા અંગારા ઉપર ગામલોકો ચાલતા જોવા મળ્યા હતા. સળગતા અંગારા પર ચાલવા છતા આજદિન સુધી કોઈ પણ દાઝવાના કે જાનહાનિની ઘટના બની નથી. ત્યારે આશ્ચર્ય પમાડે કે તેમ કઠણ કાળજાનો માનવ પણ દંગ રહી જાય છે.
આ પણ વાંચો Holi 2022 : અંગારા પર ખુલ્લા પગે ચાલવાની અનોખી શ્રદ્ધા
શ્રદ્ધા અને વિશ્વાસથી કોઈપણ વ્યક્તિ અંગારા પર ચાલી શકે છે : કહેવાય છે કે, અહીં સગળગા અંગારા ઉપર શ્રદ્ધા અને વિશ્વાસથી કોઈ પણ ચાલી શકે છે. કોઇ વ્યક્તિ જોકે તળાવમાં નાહ્યાં વગર પણ ચાલે તો દાઝી જવાનો ભય હોય છે. પરંપરા મુજબ સ્નાન કરી પવિત્ર થઈને અંગારા પર ચાલવામાં આવે છે. હોળીના અંગારા પર યુવાનો, વૃદ્ધો ચાલતાં જોવા મળે છે. અંગારા પર ચાલવાની પરંપરાને જોવા ભરૂચ માંડી આજુબાજુનાં અનેક ગામડાંમાંથી લોકો હોળીની રાત્રે સરસ ગામમાં આવે છે અને હોળીમાતાના દર્શન કરી કલાકો સુધી ત્યાં રોકાઈ શ્રદ્ધાળુઓને દેવતા પર ચાલતા જુએ છે.
વર્ષમાં એક જ વાર અંગારા પર ચાલી શકાય છે : સરસ ગામમાં બાપદાદાના વખતથી ચાલી આવેલી અંગારા પર ચાલવાની પરંપરા હજુ જીવંત છે. ગ્રામજનો ચાલે છે તેવી રીતે કોઇ બહારની વ્યક્તિ પણ શ્રદ્ધાપૂર્વક ચાલી શકે છે. તેઓ ફક્ત સરસ ગામમાં જ નહીં જિલ્લાભરના કોઈ પણ ગામે હોળીના દિવસે પ્રગટાવેલ દેવતામાં ચાલવા માટે પણ ભય નથી અનુભવતાં તે હોળી માતાની શ્રદ્ધા છે. હોળીના દેવતાના અંગારા પર જોકે વર્ષમાં એકવાર જ ચાલી શકાય છે, એ સિવાય આ આગના દેવતા પર ચાલી શકાતું નથી.
આ પણ વાંચો આદિવાસીઓ દ્વારા આગવી સંસ્કૃતિ અને પરંપરા મુજબ હોળી પર્વની ઉજવણી, લોકો ચાલે છે અંગારા પર...
NRI મહિલા પણ દર્શન કરવા આવી : મૂળ ભારત દેશના અને ન્યૂ ઝીલેન્ડ દેશમાં રહેતા જીજ્ઞાશા સોલંકીએ તેઓના સગાંસંબંધીઓના મુખેથી સરસ ગામની હોળી વિશે વાતો સાંભળતા તેઓ પણ આ વાત પર વિશ્વાસ કરતા ન હતા અને તેઓએ તેઓએ હોળી નિહાળવાનું નક્કી કર્યું હતું.જેથી આ વર્ષે સરસ ગામે આવ્યા હતા જ્યાં તેઓએ નજરની સામે લોકોને અંગારા પર ખુલ્લા પગે ચાલતા જોતા તેઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતાં. તેઓએ જણાવ્યું હતું કે મેં અગાઉ ઘણી વાર અમારા સગા સંબધીઓના મુખેથી સરસ ગામની હોળી વિશે વાત સાંભળી હતી અને ઘણા વિડિયો પણ જોયા હતાં.પણ આજસુધી ક્યારે નજરે જોવાની તક મળી ન હતી. મેં લોકોને આજે નજરે જોયા કે જેઓ ખુલ્લા પગે અંગારા પર ચાલી રહ્યા છે જેથી આપણી શ્રદ્ધામાં કેટલો પાવર છે એ વિશ્વાસ કરો તો દેખાય છે. મને તો વિશ્વાસ નથી આવતો સાચે જ આવું હોય. મે વિડિયો પણ મોબાઈલમાં ક્લિક કર્યા છે. ન્યુઝીલેન્ડ જઈને બધાને જ બતાવીશ કે આવું પણ હોય છે.