સુરત રાજ્યભરમાં પોલીસે વ્યાજખોરો સામે તવાઈ બોલાવી છે. વ્યાજખોરોના આતંકને ડામવા માટે પોલીસે સમગ્ર રાજ્યમાં લોક દરબારનું પણ આયોજન કર્યું હતું. તેના માધ્યમથી પોલીસે વ્યાજખોરો સામે લોકો અવાજ ઉઠાવે તેવો પ્રયાસ કર્યો હતો. તો આ લોક દરબારમાં પોલીસે સારી એવી સફળતા પણ મળી હતી. તેવામાં હવે સુરતમાં પણ પોલીસે વ્યાજખોરો સામે લાલ આંખ કરી છે. અહીં એક પછી એક વ્યાજખોરોને જેલહવાલે કરવામાં આવી રહ્યા છે.
12 બાઈક જપ્ત સુરતની કોસંબા પોલીસે અહીં બાઈક ગિરવે મુકી વ્યાજનો ધંધો કરતા આરોપીને ઝડપી પાડ્યો હતો. આ સાથે જ તેની પાસેથી 12 જેટલા બાઈક પણ જપ્ત કરવામાં આવ્યા હતા.
હેડ કોન્સ્ટેબલને મળી હતી બાતમી પોલીસ સ્ટેશનના PI હિતેન્દ્રસિંહ ગોહિલે છેલ્લા કેટલાક દિવસોથી વ્યાજખોરોને ઝડપી પાડવા કવાયત હાથ ધરી હતી. તે દરમિયાન કોસંબા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ હિમાંશુભાઈ તથા અરવિંદ ભાઈને ખાનગી રાહે બાતમી મળી હતી કે, કોસંબા વિસ્તારમાં રહેતો અમિષ રમેશભાઈ ઠાકોર નામનો શખ્સ ઠાકોરે ફાઈનાન્સ નામની ઑફિસ કરી છે.
આ પણ વાંચો Vadodara usurers : માંજલપુરમાં વ્યાજખોરોના સામે પોલીસની લાલ આંખ, અનેક લોકોની સમસ્યા દૂર
પોલીસે મુદ્દામાલ કબજે કર્યો આરોપી કોઈ પણ પ્રકારના લાઈસન્સ વગર ગેરકાયદેસર વ્યાજનો ધંધો કરે છે. તેમ જ મોટર સાયકલો ગીરવે મુકાવી ઊંચા વ્યાજે રૂપિયા આપે છે, જે ચોક્કસ બાતમીના આધારે પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો. આ સાથે જ 12 જેટલા બાઈક જપ્ત કરી 5,00,000 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
કામરેજ ડિવિઝનમાં અત્યાર સુધીમાં 15 ગુનાઓ નોધાઇ ચૂક્યા છે કામરેજ ડિવિઝનના DySP બી. કે. વનારે જણાવ્યું હતું કે, કામરેજ ડિવિઝનમાં અત્યાર સુધીમાં વ્યાજખોરીના 15 જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. અત્યારે પણ વ્યાજખોરો સામે કાર્યવાહી યથાવત્ છે. લોકોમાં જાગૃતિ આવે તે માટે પોલીસ દ્વારા અલગ અલગ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. બેન્કના કર્મચારીઓને સાથે રાખી પોલીસે જનસંપર્ક સભાઓ પણ કરી છે. તેમાં ઓછા વ્યાજે કઈ રીતે રૂપિયા મળે તે માટેની પણ જાણકારી આપવામાં આવી છે.
સુરત ગ્રામ્યના વ્યાજખોરો ભૂગર્ભમાં સુરત ગ્રામ્ય પોલીસે વ્યાજખોરો સામે કાર્યવાહી કરતા વ્યાજખોરોમાં ફફડાટ ફેલાયો છે. એટલે અહીંના તમામ વ્યાજખોરો ભૂગર્ભમાં ઉતરી ગયા છે. આપને જણાવી દઈએ કે, વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીના કારણે અનેક લોકોએ આત્મહત્યા સુધીના પગલા ભરી લીધા હતા. ત્યારે હવે સમગ્ર રાજ્યની પોલીસે વ્યાજખોરો સામે લાલ આંખ કરી તેમને પાઠ ભણાવવાનું નક્કી કર્યું છે.