સુરત: કોરોનાની મહામારી વચ્ચે સુરતના હીરા ઉદ્યોગમાં કામ કરતા રત્નકલાકારો વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ ન જળવાતા કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે, ત્યારે વરાછાની ડાયમંડ કંપની દ્વારા હીરા કટિંગ અને શેપ માટે અત્યાધુનિક રોબોટિક ટેક્નોલોજીનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો છે. જે ટકેનોલોજીની મદદથી એકસાથે 200થી 500 જેટલા હીરા કટિંગ અને શેપની કામગીરી કરવામાં આવી રહી છે. જ્યાં મેન્યુલી રીતે એક મશીન પર એક રત્ન કલાકાર કામ કરતો હતો, ત્યાં રોબોટિક ટેકનોલોજી આવ્યા બાદ એકસાથે પાંચ મશીન પર માત્ર એક રત્ન કલાકારની મદદથી કામ લેવામાં આવી રહ્યું છે.
વરાછાની કાંકડીયા ડાયમંડ કંપની દ્વારા એસટીપીએલ કંપનીએ બનાવેલા રોબોટિક ટેકનોલોજી સિસ્ટમનો ઉપયોગ શરૂ કરાયો છે. હાલમાં કોરોનાની વૈશ્વિક મહામારીના કારણે હીરા ઉદ્યોગમાં કામ કરતા રત્ન કલાકારો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. હીરા કારખાનાઓમાં સોશિયલ ડિસ્ટન્સ અને હીરાની આપ-લે કરતા રત્ન કલાકારો કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે.
બીજી તરફ લોકડાઉનના કારણે વતન ચાલ્યા ગયેલા રત્ન કલાકારોની પણ ઉદ્યોગમાં અછત પડી રહી છે, ત્યારે સ્કીલ મેન પાવરની સાથે સારી ક્વોલિટી સભર કામ મળી રહે તે અશ્રયથી વરાછાની ડાયમંડ કંપનીએ રોબોટિક કટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે. રત્ન કલાકારો વચ્ચે અંતર જળવાય રહે અને કોરોનાના સંક્રમણને અટકાવવામાં પણ રોબોટીક સિસ્ટમ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ છે.
રોબોટિક ટેકનોલોજીની મદદથી મશીનમાં એકસાથે 500 જેટલા કાચા હીરાનું કટિંગ શેપ અને ઘાટ કરવામાં આવી રહ્યાં છે. જેથી પાંચ રત્ન કલાકારોની જગ્યાએ એક જ રત્ન કલાકારની જરૂર પડે છે. માત્ર હીરા લોડ કર્યા બાદ રોબોટીક ટેકનોલોજી ત્રણેય કામગીરી સંપૂર્ણ રીતે પાર પાડે છે. જેથી ઓછી મહેનતે વધુ કામ લેવામાં સરળતા મળી રહી છે. રૂપિયા 4થી 5 લાખના ખર્ચે રોબોટિક ટેકનોલોજી સિસ્ટમ વરાછાની ડાયમંડ કંપની દ્વારા ફિટ કરવામાં આવી છે.