- શાકભાજી, કઠોળ અને આંબા પર આવેલી આમ્રમંજરીને નુકસાનની સંભાવના
- 2 દિવસથી વાદળ છાયા વાતાવરણ બાદ આજે સવારે કમોસમી વરસાદ
- રસ્તાઓમાં પાણી ભરાયાં
સુરત: ગત 2 દિવસથી બારડોલી સહિત સુરત જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. જેથી બારડોલીમાં શુક્રવારે વહેલી સવારથી કામસોમી વરસાદ શરૂ થયો હતો. ચોમાસામાં વરસતો હોય તે રીતે વરસેલા વરસાદને કારણે રસ્તાઓ પર પાણી પાણી થઈ ગયું હતું. આ ઉપરાંત ખાડા ખાબોચિયા પણ પાણીથી ભરાયાં હતાં.
વાતાવરણમાં ઠંડક ફેલાય
સમગ્ર દિવસ વરસાદી વાતાવરણને કારણે પંથકમાં ઠંડક પ્રસરી હતી. કમોસમી વરસાદથી બારડોલી અને આસ-પાસના વિસ્તારના ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. વરસેલા આ કમોસમી વરસાદના કારણે શાકભાજી, કઠોર ઉપરાંત પોંક માટેની જુવારના પાકને ભારે નુકસાનની સંભાવના સેવાઇ રહી છે.
સ્વેટરની જગ્યાએ રેઈનકોટ અને છત્રી લઈને બહાર નીકળવું પડ્યું
શિયાળાની શરૂઆત થતાં જ લોકોએ રેઈનકોટ અને છત્રી પેક કરીને મૂકી દીધાં હતા અને ઠંડીથી બચવા માટે સ્વેટર તેમજ અન્ય ગરમ કપડાઓ પહેરવાનું શરૂ કર્યું હતું, પરંતુ અચાનક વાતાવરણમાં પલ્ટા સાથે વરસાદ વરસતા લોકો સ્વેટરની જગ્યાએ રેઈનકોટ અને છત્રી લઈને બહાર નીકળવું પડ્યું હતું.
ગ્રામ્ય વિસ્તારોમાં વીજળી ગુલ
વરસાદને કારણે બારડોલીના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. વહેલી સવારે શરૂ થયેલો વરસાદ સવારે 10 વાગ્યા સુધી ધીમે ધીમે વરસતો રહ્યો હતો.