સુરત: દક્ષિણ ગુજરાતમાં માવઠાના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે. તુવેર, રીંગણ, ટામેટા, પાપડી, ડાંગર, કપાસ સહિતનો પાક પલળી ગયો છે. દક્ષિણ ગુજરાતમાં એક લાખ હેક્ટરમાં કપાસના પાકને નુકસાનની ભીતિ છે. આશરે 40 કરોડથી વધુ નુકસાનીનો અંદાજ છે. નુકસાનનો તાત્કાલિક સર્વે કરવા ખેડૂતોએ માંગણી કરી છે.
માવઠાની પેટર્ન બદલાઈ: ખેડૂત આગેવાન જયેશ પટેલે જણાવ્યું કે સમગ્ર ગુજરાતમાં માવઠું થયું છે. સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અથવા દક્ષિણ ગુજરાતમાં આ વખતે માવઠાની પેટર્ન બદલાતા ખુબ નુકશાન થયું છે. સામાન્ય રીતે માવઠામાં જોવા જઈએ તો 10 થી 15 મિલિમીટર વરસાદ થતો હોય છે. આ વખતે એક ઇંચથી લઈ છ ઇંચ સુધી વરસાદ થયો છે. જેથી સરકારને અપીલ કરીશું કે જે પેટર્ન બદલાઈ છે તે પ્રમાણે સર્વે કરવામાં આવે.
જયેશ પટેલે વધુમાં જણાવ્યુ હતું કે આ માટે અમે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી માંગ પણ કરી છે. સર્વે નંબરના આધારે દરેક ખેડૂતોના ખેતરના સર્વે કરવામાં આવે. ખાસ કરીને ડાંગર કપાઈ ગયા પછી જે પરાળ છે જે 25 હજાર એકરમાં છે તે ભીંજાઈ ગયા છે. સાથોસાથ દક્ષિણ ગુજરાતમાં જે 15 જેટલી શેરડીની મિલો છે હાલ જે ક્રશિંગ કરી રહી હતી તે ચાર પાંચ દિવસ બંદ રહેશે.
પાક સંપૂર્ણ નાશ પામ્યો: ખેડૂત જયંતિભાઈ પટેલે જણાવ્યું હતું કે મારા ખેતરમાં મેં પાપડીની વાવણી કરેલી છે. પરંતુ વરસાદને પગલે હાલ પાપડીનો પાક સંપૂર્ણ નાશ પામ્યો છે. જેથી અમને ભારે નુકસાન પહોંચ્યું છે. અમે સરકાર પાસે અપેક્ષા રાખીએ છીએ કે સર્વેની કામગીરી સારી રીતે થાય.
મહિલા ખેડૂત હર્ષિતાએ જણાવ્યું હતું કે, અમે પોકની ખેતી કરીએ છીએ. જે સંપૂર્ણ રીતે નાશ પામી છે. સરકાર પાસે અમે અપેક્ષા રાખીએ છીએ કે કોઈ મદદ થાય. સંપૂર્ણ રીતે અમારો પાક નાશ પામ્યો છે. ભારે પવન અને વરસાદના કારણે પાકને ભારે નુકસાન થયું છે. કુલ મળી ચાર લાખ રૂપિયાનું નુકસાન છે.