સુરત: હવામાન વિભાગે કરેલી આગામી વચ્ચે સૌરાષ્ટ્ર, કચ્છ કે પછી હોય દક્ષિણ ગુજરાત સમગ્ર પંથકમાં છુટોછવાયો કમોસમી વરસાદ પડ્યો હતો. જેને લઈને જનજીવન પ્રભાવિત થયું હતું. સુરત જિલ્લામાં સવારથી કાળાડિબાંગ વાદળો ઘેરાયા હતા અને જોત જોતામાં અચાનક ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો. ઓલપાડ તાલુકામાં બરફના કરા પણ પડયા હતા.
![લોખંડની એંગલ સાઈડમાં ખસેડવાની કામગીરી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/26-11-2023/gj-surt-rural01-rain-gj10065_26112023152217_2611f_1700992337_947.jpg)
સ્ટેટ હાઇવે બ્લોક: ભારે પવન સાથે વરસેલા વરસાદને લઈને એક તબેલાનો પતરાનો શેડ હવામાં ઉડી ગયો હતો અને સીધો સુરત - ઓલપાડ સ્ટેટ હાઇવે પર પડ્યો હતો. જેને લઈને આ સ્ટેટ હાઇવે બ્લોક થઇ જતાં વાહનચાલકોને ભારે હાલાકી વેઠવી પડી હતી. જોકે કમોસમી વરસાદે વિરામ લેતા જ સ્થાનિક તંત્ર કામે લાગી ગયું હતું. સ્ટેટ હાઇવે પરથી પતરા તેમજ લોખંડની એંગલ સાઈડમાં ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
![પતરાના શેડ ઉડ્યા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/26-11-2023/gj-surt-rural01-rain-gj10065_26112023152217_2611f_1700992337_447.jpg)
સ્થાનિક ખેડૂત મહેશભાઈએ જણાવ્યું હતું કે સવારથી કમોસમી વરસાદ પડ્યો હતો. જેને લઇને સૌ ખેડૂતો ચિંતામાં મુકાઇ ગયા છે. કપાસ અને શાકભાજીને વધુ નુકશાન થયું છે. શેરડીની કાપણી હાલ અટકી ગઈ છે. સરકાર તરફથી સહાય મળે એવી અમારી માંગ છે.
![વૃક્ષો ધરાશાયી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/26-11-2023/gj-surt-rural01-rain-gj10065_26112023152217_2611f_1700992337_374.jpg)
વરસેલા કમોસમી વરસાદ ખેડૂતો માટે આફતરૂપ સાબિત થઈ રહ્યો છે. કમોસમી વરસાદના કારણે શાકભાજી અને કપાસના પાકને ભારે નુકશાન થયું છે. તેમજ શેરડીના ખેતરમાં પણ પાણી ભરાઈ જતાં શેરડીની કાપણી અટકી ગઈ છે. ત્યારે સરકાર દ્વારા સર્વે કરાવી ખેડૂતોને વળતર ચુકવે તેવી માગ થઈ રહી છે.