સુરત: એક દિવસ પહેલા મોલની ઉપર જઈ સોશિયલ મીડિયા માટે રીલ બનાવી રહેલા બે યુવકો સામે સુરત વેસુ પોલીસે કાર્યવાહી કરી છે. જીવના જોખમે રીલ બનાવી રહેલા યુવાનોએ આજે બન્ને હાથ જોડીને પોતાના કૃત્યને લઈ માફી માંગી રહ્યા હતા.બન્ને યુવાન શ્રમિક છે અને રીલ બનાવવાના ઇરાદે તેઓ મોલની આગાસી ઉપર પહોંચી ગયા હતા.
વિડીયો વાયરલ: તારીખ 3 જુલાઈના રોજ વેસુ કેનાલ રોડ ખાતે આવેલા ધી ગ્રાન્ટ પ્લાઝા મોલની ટેરેસ પર બે યુવકો રીલ બનાવી રહ્યા હતા. વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી કરી રહેલા યુવાનો જીવના જોખમે ટેરેસની ઉપર જોવા મળ્યા હતા અને વિડીયો પણ વાયરલ થયો હતો. જેના આધારે પોલીસે બંને યુવાનની ધરપકડ કરી છે. બંને શ્રમિક વર્ગના છે અને 20 વર્ષિય શુભમ શિવકુમાર વાઘ તેમજ વિક્રમ સુભાષ પાન પાટીલ બન્નેની અટકાયત કરવામાં આવી હતી. પકડાયા બાદ બંને પોલીસ મથકમાં હાથ જોડીને માફી માંગી રહ્યા હતા. બંને હાથ જોડીને જણાવી રહ્યા હતા કે જીવના જોખમે રીલ બનાવવી ન જોઈએ.
"3 જુલાઈના રોજ વેસુ કેનાલ રોડ પર આવેલ ધી ગ્રાન્ટ પ્લાઝા મોલની ટેરેસ પર બે યુવકો પોતાની જિંદગી જોખમાય તેવી રીતે વિડીયો બનાવી રહ્યા હતા. જેનો વિડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેના અનુસંધાને વેસુ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી. શુભમ વાઘ અને વિક્રમ પાટીલ નામના બે યુવકોની અટકાયત કરવામાં આવી હતી. આ બંને યુવકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. બંને પોતાની જિંદગી જોખમાય તેવી રીતે વિડીયો બનાવી રહ્યા હતા. હું તમામ યુવકોને અપીલ કરી રહ્યો છું કે, જીવન બહુ અમૂલ્ય છે. ફક્ત સોશિયલ મીડિયામાં રીલ બનાવવા માટે જિંદગી જોખમાય એવા કોઈપણ પ્રકારના કૃત્ય કરવા નહીં"-- વી.આર. મલ્હોત્રા (એસીપી )
મોલના સુરક્ષા કર્મીઓ: હાલ સોશિયલ મીડિયામાં રીલ બનાવવાનો ક્રેઝ સૌથી વધારે જોવા મળે છે. આ ક્રેઝમાં કારણે યુવાનો પોતાનો જીવ જોખમમાં મૂકી વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી કરતા હોય છે. અનેક આવી ઘટના પણ સામે આવી ચૂકી છે. જેમાં રીલ બનાવતી વખતે લોકો ઇજાગ્રસ્ત થયા હોય અથવા તો મૃત્યુ પણ પામી ચૂક્યા છે. તેમ છતાં આવી રીતે રીલ બનાવી આ યુવાનો ઘટના પ્રત્યે દુર્લક્ષ રાખે છે. sસુરત ખાતે પણ આવી જ ઘટના બની હતી . જોકે મોલની ઉપર રીલ બનાવી રહેલા બંને યુવાનોનો વિડીયો વાયરલ થતાં આજે કાર્યવાહી થઈ છે. બીજી બાજુ મોલની અંદર પ્રવેશ કરનારા બે યુવાનો કઈ રીતે મોલની અગાશી ઉપર પહોંચી ગયા અને સહેલાઈથી વિડીયો બનાવી રહ્યા હતા તેની મોલના સુરક્ષા કર્મીઓને ખબર પણ પડી નથી એ પણ મોટો સવાલ છે.