- સુરતમાં કોવિડ હોસ્પિટલ ખાતેથી બે સિનિયર સિટીઝને કોરોનાને આપી માત
- 75 વર્ષીય ડાયાબીટીસ ધરાવતા પેશન્ટને 10 દિવસ ઓક્સિજન પર રાખવામાં આવ્યા હતા
- અન્ય 65 વર્ષીય દર્દીએ કોરોનાને હરાવ્યો
સુરત :કુછ અચ્છા ભી હુઆ હૈ! કોરોના મહામારી વચ્ચે આપણા કોરોના વોરીયર્સ એવા હોસ્પિટલના તબીબો દ્વારા કોરોના દર્દીઓની યોગ્ય સાર સંભાળના કારણે અનેક દર્દીઓ હેમખેમ સાજા થઈને ઘરે જઈ રહ્યા છે. હોસ્પિટલમાં એકલતા ન અનુભવે તે માટે ડોક્ટર તેમની સાથે હાસ્ય-મજાક તેમજ તેમનો ઉત્સાહ વધારી રહ્યા છે અને આ જ કારણે પ્રતિદિન અનેક દર્દીઓ રિકવર થઇ ઘરે પરત ફરી રહ્યા છે.
75 વર્ષીય ડાયાબીટીસ ધરાવતા પેશન્ટ કોરોનાને આપી માત
નવી સિવિલની કિડની બિલ્ડીંગની કોવિડ હોસ્પિટલ ખાતેથી કતારગામ વિસ્તારમાં રહેતા 75 વર્ષીય ડાયાબીટીસ ધરાવતા પેશન્ટ ગોરધનભાઈ આશારામ પટેલે કોરોનાને મ્હાત આપી હતી. તારીખ 13 એપ્રિલના રોજ કોરોનાના લક્ષણ જણાતા પોઝિટીવ રીપોર્ટ આવતા દાખલ કરાયા હતા. દાખલ થયા ત્યારે 40 થી 50 ટકા સંક્રમણ હોવાથી શ્વાસ લેવામાં તકલીફ પડતા 10 દિવસ ઓક્સિજન પર રાખવામાં આવ્યા હતા. આજ રોજ 11 દિવસની સારવારના અંતે કોરોનાને હરાવી જીત હાંસિલ કરી સ્વગૃહે પરત ફર્યા હતા. તેમને પાંચ રેમડિસીવીરનો ડોઝ પણ આપ્યો હતો.
9 દિવસ ઓક્સિજન પર રહી કોરોનાને મ્હાત આપી
અન્ય દર્દી એવા 65 વર્ષીય શ્યામ હીરાનંદ બ્રિજવાની તારીખ 14 એપ્રિલના રોજ પોઝીટીવ આવતા સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હતા. દાખલ થયા ત્યારે 40 ટકા જેટલું સંક્રમણ હતું. જેથી 9 દિવસ ઓક્સિજન પર રહી કોરોનાને માત આપી છે.