સુરત: SOG પોલીસે ઓરિસ્સાના ગંજામ જિલ્લાના કોદલા પોલીસમથકમાં નોંધાયેલા એનડીપીએસ (NDPS) એક્ટ તથા મર્ડર ગુનામાં નાસતા-ફરતા બે આરોપીને સાયણમાંથી ઝડપી જેલમાં ધકેલી દીધા છે.
સુરત જિલ્લા એસ.ઓ.જી. પોલીસ શાખાની ટીમ ઓરિસ્સાની પોલીસ સાથે ઓલપાડ પોલીસમથકની હદમાં પેટ્રોલિંગ કરી રહી હતી. એ સમયે શાખાના હેડ કોન્સ્ટેબલ જગદીશ તથા એ.એસ.આઈ રોહિત બાબુને બાતમી મળી હતી કે, ઓરિસ્સાના ગંજામના સચીના ખાતેથી એક ઇસમનું અપહરણ કરી મોત નીપજાવી તેની લાશને ઝાડી-ઝાંખરીમાં ફેંકી પુરાવાઓનો નાશ કરવા ઉપરાંત ગંજામના સચીના ખાતે સહ આરોપી સાથે 92 કિ.ગ્રા. માદક પદાર્થ ગાંજો મંગાવી NDPS ગુનાના બંને ગુનાના નાસતા-ફરતા વોન્ટેડ આરોપીઓ હાલમાં સાયણ ટાઉનમાં છે. આ બાતમીના પગલે પોલીસ ટીમે છાપો મારી ઉત્તમ ઉર્ફે ભુતા અભિમન્યુ બિસ્વાલ તથા બબુલ દેવરાજ ગૌડા (ઉં.વ.19)ને સાયણ ખાતેથી દબોચી કાર્યવાહી કરી જેલમાં ધકેલી દીધા હતા.
સુરત જિલ્લા SOG PI બી.જી ઈશરાણીએ જણાવ્યું હતું કે અમારી ટીમ દ્વારા નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી. તે દરમિયાન ચોક્કસ બાતમીના આધારે આ બે આરોપીઓને ઝડપી લીધા છે. તેઓનો કબજો ઓરિસ્સા પોલીસને સોંપવામાં આવ્યો છે. આગળની તપાસ ઓરિસ્સા પોલીસ કરશે.