સુરત : આ વખતે નવા વર્ષમાં ઉનાળાની રજાઓમાં ઉત્તર ભારતની રેલવે મુસાફરી કરવી સરળ નહીં હોય, કારણ કે 15 એપ્રિલથી યુપી-બિહાર અને દિલ્હી રૂટ પરની ટ્રેનો પહેલેથી જ ફુલ થઈ ગઈ છે. ઉનાળાની રજાઓમાં કેટલી ભીડ હશે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે 15મી એપ્રિલે બુકિંગ શરૂ થતાં જ તાપી-ગંગા અને ભાગલપુર એક્સપ્રેસ ફુલ થઈ ગઈ હતી જ્યારે અન્ય ટ્રેનોમાં પણ વેઇટિંગનો આંકડો 100ને પાર કરી ગયો હતો.
જોજો ધ્યાન રાખજો: ઉત્તર ભારત જનાર અને દક્ષિણ ગુજરાતમાં રહેતા પરપ્રાંતિય લોકો કન્ફર્મ ટિકિટ માટે હવે સ્પેશિયલ ટ્રેનોની રાહ જોઈ રહ્યા છે. તાપી-ગંગા, ઉધના-દાનાપુર જેવી ટ્રેનોમાં મુસાફરી કરનારા લોકો માટે 15 એપ્રિલ પછી ચિંતાજનક સ્થિતિ જોવા મળશે છે. આ સમયગાળા દરમિયાન યુપી-બિહારના લોકો મોટી સંખ્યામાં લગ્નગાળાની સીઝન માટે પોત-પોતાના માદરે વતન જશે, જેના કારણે યુપી-બિહાર જતી ટ્રેનો ચાર મહિના અગાઉથી ફુલ થઈ ગઈ છે. સ્થિતિ એવી છે કે સુરતથી પ્રયાગરાજ, વારાણસી, છપરા જતી ટ્રેનમાં કન્ફર્મ ટિકિટ શોધી શકાતી નથી. એટલું જ નહીં, રાજસ્થાન થઈને દિલ્હી જતી ટ્રેનો પણ ખીચોખીચ ભરેલી છે. ગરમી દિવાળી અને છઠની રજાઓ દરમિયાન નાસભાગ જેવું વાતાવરણ ફરી ન સર્જાય તે માટે ક્રાઉડ મેનેજમેન્ટ ફોર્મ્યુલા અપનાવવામાં આવશે. એટલું જ નહીં, અનરિઝર્વ્ડ ટ્રેનો પણ ચલાવવાની યોજના છે.
દોડશે હોલિડે સ્પેશિયલ ટ્રેન: રેલવે અધિકારીઓએ જણાવ્યું હતું કે ટ્રેનોમાં ભીડ ઘટાડવા માટે વધારાની ટ્રેનો દોડાવવામાં આવશે. વધારાના કોચ પણ ઉમેરવામાં આવશે. ભીડ માટે મુસાફરો માટે તમામ બાબતોને ધ્યાનમાં રાખીને યોગ્ય વ્યવસ્થાઓ કરવામાં આવશે. દર વખતની જેમ માર્ચમાં પણ સમર હોલિડે સ્પેશિયલ ટ્રેનોની પણ જાહેરાત કરવામાં આવશે.
ટ્રેનો ખચાખચ: નવા વર્ષમાં ઉનાળાની રજાઓમાં શહેરની બહાર જનારા લોકોનો ધસારો એટલો વધી જશે કે સુરતથી ઉપડતી અને બાયપાસ થઈને દોડતી અનેક સાપ્તાહિક ટ્રેનો પહેલેથી જ ભરાઈ ગઈ છે. 19045 તાપી-ગંગા એક્સપ્રેસ 15, 16, 17 અને 18 એપ્રિલના એડવાન્સ બુકિંગમાં ફુલ થઈ ગઈ છે. સુરત ભાગલપુર એક્સપ્રેસની પણ આવી જ હાલત છે, જ્યારે સુરત-મુઝફ્ફરપુર એક્સપ્રેસમાં 15 એપ્રિલથી 100થી વધુ વેઇટિંગ લિસ્ટ છે. એકતાનગર વારાણસી મહામના, બાંદ્રા-પટના સુપરફાસ્ટ એક્સપ્રેસમાં પણ લાંબુ વેઈટિંગ ચાલી રહ્યું છે. આ ઉપરાંત તાપી-ગંગા, ઉધના-દાનાપુર, ઉધના-બનારસ સહિત સુરતની ઘણી ટ્રેનોમાં કન્ફર્મ ટિકિટ હવે ઉપલબ્ધ રહેશે નહીં. નોંધનીય છે કે માર્ચમાં હોળી માટે ટ્રેનો દોડનારી છે.
15મી એપ્રિલ 2024ના રોજ ટ્રેનોની બુકિંગની સ્થિતિ
- 19045 તાપી-ગંગા, રીગ્રેટ
- 20941 બાંદ્રા-ગાઝીપુર સુપરફાસ્ટ- 125 વેઈટીંગ
- 19091 ગોરખપુર હમસફર એક્સપ્રેસ-145 વેઈટિગ
- 19483 અમદાવાદ-બરૌની એક્સપ્રેસ-147 વેઈટિંગ
- 20933 ઉધના-દાનાપુર એક્સપ્રેસ -176 વેઈટીંગ
- 20903 વારાણસી મહામના એક્સપ્રેસ-90 વેઈટીંગ
- 22947 સુરત ભાગલપુર એક્સપ્રેસ-રિગ્રેટ
- 20961 ઉધના બનારસ સુપરફાસ્ટ - 300 વેઈટીંગ
- 12903 ગોલ્ડન ટેમ્પલ એક્સપ્રેસ -78 વેઈટીંગ
- 12925 પશ્ચિમ એક્સપ્રેસ - 52 વેઈટીંગ