સુરતઃ મહારાષ્ટ્રના જલગાંવ શહેરના હરિવિઠ્ઠલ નગર સોસાયટીમાં રહેતી શીતલ અનિલ રાજપૂત (ઉ.વર્ષ 22) તેના પરિવારની અન્ય બે મહિલાઓ સાથે મંગળવારે રાત્રે જલગાંવથી સુરત જવા માટે ભુસાવળ સુરત પેસેન્જર ટ્રેનમાં બેઠા હતા. સુરતમાં રહેતા શીતલના દિયરનું પતંગના દોરાથી ગળામાં ઇજા થતાં તેની ખબર અંતર પૂછવા માટે ત્રણેય મહિલા બે બાળકો સાથે સુરત જવા નીકળ્યા હતા. શીતલને આઠ માસનો ગર્ભ હોય બુધવારે સવારે 6 વાગ્યાની આસપાસ તેણીને ટ્રેનમાં જ પ્રસૂતિની પીડા ઉપડી હતી. ટ્રેન બારડોલી નજીક પહોંચી ત્યારે મહિલાએ ટ્રેનના ગાર્ડને દર્દ વિષે જાણ કરી હતી. આથી ટ્રેનના ગાર્ડ દ્વારા વાયરલેસ મારફતે બારડોલી રેલ્વે સ્ટેશન અધિક્ષક એલ.સી. સૈની તેમજ આરપીએફ અને જીઆરપીની ટીમને જાણ કરતાં તેઓ પણ બારડોલી રેલ્વે સ્ટેશન પર પહોંચી ગયા હતા.
ટ્રેન બારડોલીમાં રોકાય હતી તે સમયે પીડા વધુ થતાં સાથેની મહિલાઓ અને અન્ય યાત્રીઓએ મદદરૂપ બની મહિલાની ટ્રેનના કોચમાં જ પ્રસૂતિ કરાવી હતી. લગભગ સવારે 6.20 વાગ્યે એક તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો હતો. બાદમાં સ્ટેશન અધિક્ષકે 108 એમ્બ્યુલન્સને ફોન કરતાં એમ્બ્યુલન્સ મારફતે માતા તથા બાળકને બારડોલીની સીએચસી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં બંનેની તબિયત સારી હોવાનું જાણવા મળ્યું હતું.