સુરત: સુરત ખાતે 100 ટકા પરિણામ લાવનારી શાળાના સન્માન સમારોહમાં રાજ્યના શિક્ષણ પ્રધાનનું મહત્વનું નિવેદન આપ્યું હતું. આવનારા સમયમાં રાજ્યમાં મોટી સંખ્યામાં નવા કલાસરૂમ બનશે અને આ ઉપરાંત 25 હજાર જેટલા નવા શિક્ષકોની ભરતી પણ થઇ શકે છે. શિક્ષણ પ્રધાનના નિવેદન અનુસાર ટેટ વન પાસ કરેલા ઉમેદવારોને લઈને પણ મોટી જાહેરાત આવી શકે છે.
'આ વર્ષની અંદર મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ અમે 16000 નવા ઓરડાઓ બનાવવાના વર્ક ઓર્ડર આપ્યા છે. જે અમારા ડેસ્ક ઉપર છેજ તે ઉપરાંત બીજી શાળાઓ પણ બનાવી રહ્યા છે અને ટૂંક સમયમાં જ 25,000 નવા શિક્ષકોની તમામ ડિપાર્ટમેન્ટમાં જેઓ ટેટ વન પાસ કરેલાનું નિમણૂક પત્ર મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ આપવાના છીએ.' -પ્રફુલ પાનશેરીયા, શિક્ષણ પ્રધાન
એક પણ સરકારી શાળા બંધ નથી: તેમને વધુમાં જણાવ્યું હતું કે સરકારી શાળાની વાત કરવામાં તો 15 સરકારી શાળાઓના 100 ટકા પરિણામ આવ્યા છે તેનું આજે શાળાના શિક્ષક અને આચાર્યનું સન્માન કરવામાં આવ્યું છે. તેમને વધુમાં જણાવ્યું કે રાજ્યમાં હાલ 5 હજાર જેટલી શાળાઓ છે જ્યાં માત્ર 20 જેટલા વિદ્યાર્થીઓ ભણે છે. અમુક શાળાઓમાં તો 8થી 10 જેટલા બાળકો અભ્યાસ માટે આવે છે. છતાં અમે લોકોએ શાળાઓ ચાલુ રાખી છે. તે બાળકોને પણ શિક્ષણ મળી રહે તે માટે સરકાર કટિબદ્ધ છે.
'જ્યાં પણ ક્ષતિ હશે ત્યાં મીડિયાનો પણ ખુબ જ સારો રોલ છે. ઘણી બધી નેગેટિવ વાતો અમને મીડિયા દ્વારા જાણવા મળે છે અને એટલો મોટો પરીવાર છે તો એમાં ક્ષતિ હશે તો અમે એને સુધારવાનો પ્રયાસ કર્યો છે. સરકારી શાળા બંધ કરવાનું સરકારનું એક પણ પગલું નથી. એક પણ શાળા બંધ કરવા માટે નિર્ણય પણ નથી લેવામાં આવ્યો અને જે ગામમાં 8 થી 10 બાળકોની સંખ્યા છે તે વિદ્યાર્થીઓને જો બાજુના ગામમાં એક-બે કિલોમીટર જવું પડે તેના માટે પણ સરકારે ગાડીની વ્યવસ્થા કરી છે.' -પ્રફુલ પાનશેરીયા, શિક્ષણ પ્રધાન
પરફોર્મન્સ ગ્રેડિંગ ઇન્ડેક્સ: ઉલ્લેખનીય છે કે ભારત સરકારના શિક્ષા મંત્રાલય દ્વારા શુક્રવારે જ વર્ષ 2021-22નો PGI 2.0 પરફોર્મન્સ ગ્રેડિંગ ઇન્ડેક્સ જાહેર કરવામાં આવ્યો છે. લર્નિંગ આઉટકમ અને ક્વોલિટી, ઉપલબ્ધિઓ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ફેસેલિટી, નિષ્પક્ષતા, ગવર્નન્સ પ્રોસેસ, અસ૨કા૨ક વર્ગખંડ, શાળા સુરક્ષા અને બાળક સુરક્ષા, ડિજિટલ લર્નિંગ સહિતના મુદ્દે દેશના તમામ રાજ્યો અને તેના જિલ્લાઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું જેના જાહેર થયેલાં પરિણામોમાં ગુજરાતનો સ્કોર કુલ 1000માંથી 599 પોઈન્ટ સાથે દેશમાં 5મા ક્રમે રહ્યું છે.
ગુજરાતનો સ્કોર ઘટ્યો: 2018માં ત્રીજા, 2019માં બીજા ક્રમે રહેલું ગુજરાત ચાર વર્ષમાં ત્રણક્રમ નીચે ઉતરીને દેશમાં 5મા ક્રમે ધકેલાયું છે. આ વર્ષે ગુજરાતનો સ્કોર ઘટ્યો છે. ગયા વર્ષે ગુજરાતને 1000માંથી 903 માર્ક મળ્યા હતા જ્યારે આ વર્ષે માત્ર 599 માર્ક મળ્યા છે એટલે કે 304 માર્ક ઘટ્યા છે. પરફોર્મિંગ ઇન્ડેક્સમાં ગુજરાત હજુ જે દેશના 4 રાજ્યો કરતા પાછળ છે.