સુરત: શહેરમાં ફરી એકવાર વરસાદે માજા મૂકી છે. સતત વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર થયા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આવતીકાલથી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. 19 થી 20 જુલાઈ સુધી સુરત
જિલ્લાઓમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
અતિભારે વરસાદની સંભાવના: રેડ એલર્ટ એટલે કેટલાક વિસ્તારમાં અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. વરસાદ પડવાના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ઠંડકને કારણે લોકોને ગરમીથી રાહત અનુભવી છે. છેલ્લા ત્રણ દિવસથી વરસાદની ગેરહાજરી હતી. જેથી લોકોને ગરમીથી ભારે બફાટ અનુભવી રહ્યા હતા.
નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા: સુરત શહેરમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હોવાની સમસ્યાઓ સર્જાય છે. શહેરના મીઠીખાડી, ભૂલકા ભાવન, રૂપાલી નહેર પાસે ગુથણીયા સુધીના પાણી ભરાઈ ગયા છે. જેથી લોકોને અને સાથે જ વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. પાણી ભરાવાના કારણે ટ્રાફિક જામના દર્શયો પણ સામે આવ્યા છે.
ક્યાં કેટલો પડ્યો વરસાદ?: હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા બે દિવસથી છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડી રહ્યા છે. સુરત જિલ્લાની વાત કરવામાં આવે તો માંડવીમાં 19 mm અને બારડોલીમાં 14 mm વરસાદ નોંધાયો હતો. સુરત શહેરમાં 24 કલાકમાં 15 mm જેટલો વરસાદ પડી ચુક્યો છે. ઉકાઈમાં પણ પાણીની આવક ઘટી 10.802 ક્યુસેક થઈ છે. તે સાથે જ પાણીની સપાટી 314.26 ફૂટ નોંધાઈ છે.