સુરત : શહેરમાં જિલ્લા શિક્ષણાધિકારીએ વેલેન્ટાઈન ડે ની માતૃ-પિતૃ પૂજન દિવસ તરીકે ઉજવવા સૂચના આપી છે. જેમાં શાળાઓને વાલીઓને આમંત્રણ આપવા પણ પરિપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમજ શાળામાં માતા-પિતાના પૂજન જેવા કાર્યક્રમો યોજવા માટે સૂચના આપવામાં આવી છે.
આ પરિપત્રમાં જણાવ્યા અનુસાર 10 દંપતીને આમંત્રણ આપવું. તેમજ શિક્ષણ સમિતિ ,પાલિકા, કોર્પોરેટર અને શિક્ષણવિદોને આમંત્રિત કરવા, માતા-પિતાનું તેમના સંતાનો દ્વારા ભારતીય સંસ્કૃતિ મુજબ પૂજન કરાવવું જેવા સૂચનો આપવામાં આવ્યા છે. એટલું જ નહિ તિલક, ફુલહાર, ચંદન, પ્રદક્ષિણા અને મોઢું મીઠું કરાવી પૂજન વિધિ કરવા પણ આગ્રહ કરવામાં આવ્યો છે.
તે ઉપરાંત બાળકે વાલીને સંસ્કૃતિ, માતા-પિતાનું મહત્વ રજૂ કરતું વક્તવ્ય આપવું. વિદ્યાર્થીઓને પ્રેરણા માટે અન્ય વિશેષ પ્રવૃત્તિનું શાળામાં જ આયોજન કરવું. જેવા અલગ-અલગ સૂચનો કરવામાં આવ્યા છે. બદલાતા સમયની સાથે ભારતીય સંસ્કૃતિ જાળવી રાખવા આ પરિપત્ર દ્વારા ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
જેમાં શાળાઓમાં વેલેન્ટાઈન ડે ની એક અનોખી રીતે ઉજવણી કરવા માટે જિલ્લા શિક્ષણાધિકારીએ પરિપત્ર પાઠવી 1500 શાળાઓને આ પ્રમાણેની સૂચના આપી છે. જો કે, પરિપત્રને લઈ કેટલીક શાળાના આચાર્યોએ ખેદ પણ વ્યક્ત કર્યો છે. તેમજ જણાવ્યું છે કે, બદલાતી સંસ્કૃતિ અને આજના યુવાધન જે રસ્તા પર જઇ રહ્યા છે. તે બિલકુલ પણ યોગ્ય નથી.