સુરત: જિલ્લામાં પસાર થતા નેશનલ હાઇવે પર સતત અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે આજ રોજ સવારે વધુ એક અકસ્માત સર્જાયો હતો. નેશનલ હાઇવે 48 પર માંગરોળના કોસંબા ગામ નજીક ટ્રેલર ડીવાઈડર કૂદી ગયું હતું અને સામેની લાઈનમાં જઈને પલ્ટી મારી ગયું હતું. જેને લઇને અન્ય બે વાહનોને પણ અકસ્માત નડ્યો હતો. આ ઘટનામાં બે લોકોને નાની મોટી ઈજાઓ થતા તેઓને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિક: અકસ્માતની ઘટનાને પગલે થોડીવાર માટે હાઇવે બ્લોક થઇ ગયો હતો. ઘટનાને પગલે NHAI વિભાગની ટીમ તેમજ જિલ્લા ટ્રાફિક પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી અને હાઇવે પરથી હળવો કરવાની કામગીરી હાથ ધરી હતી. NHAI વિભાગના સુપર વાઇઝર રીંકુ ભાઈએ જણાવ્યું હતું કે અકસ્માતની ઘટનાને પગલે અમારી ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિક સર્જાયો હતો. અકસ્માતગ્રસ્ત વાહનોને હાઈવેની બાજુમાં ખસેડવામાં આવ્યા હતા અને રાબેતા મુજબ હાઇવે શરૂ કરવામાં આવ્યો હતો.
અગાઉ પણ અકસ્માતની ઘટના: સુરતના માંગરોળમાં પીપોદરા નજીક ને.હા.નં-48 ઉપર વિદ્યાર્થીઓ ભરેલી સ્કૂલ બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં શાળાનાં બે બાળકોને કાચ વાગતાં ઇજા થઇ હતી. ગણતરીની મિનિટોમાં બની ગયેલી અકસ્માતની ઘટનામાં સ્કૂલ બસની કેબિનનાં કાચ તુટી ગયા હતા. અકસ્માતની ઘટનાનાં પગલે હાઇવે ઉપર ચક્કાજામ જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. બનાવની જાણ થતા કોસંબા પોલીસ ઘટના સ્થળે દોડી જઇ ટ્રાફિક જામ ક્લીયર કરાવ્યો હતો.