બારડોલી : સુરત જિલ્લાના કામરેજ તાલુકાનાં વલથાણ ગામે આવેલી દેવાંશી મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલને તસ્કરોએ નિશાન બનાવી હતી. તસ્કરો ડોક્ટરની ઓફિસમાંથી રોકડા રૂપિયા 1.59 લાખથી વધુની મત્તા ચોરી કરી ગયા હતા. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હોય પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરી રહી છે.
કામરેજના માંકણા ગામની શિવ દર્શન સોસાયટીમાં રહેતા ડૉ. વશરામભાઈ મગનભાઇ લાડુમોર (મૂળ રહે બારપટોળી જૂની ગામ, અમરેલી) છેલ્લા બે વર્ષથી કામરેજના વલથાણ દેવાંશી મલ્ટીસ્પેશ્યાલિસ્ટ નામથી હોસ્પિટલ ચલાવે છે. ગત 16મી સપ્ટેમ્બરે સાંજે હોસ્પિટલમાં ઓપીડી પતાવી પોતાના પરિવાર સાથે બહારગામ ગયા હતા. જ્યાંથી તેઓ રાત્રિના એકાદ વાગ્યે પરત હોસ્પિટલ ફર્યા હતા અને લિવિંગ રૂમમાં સૂઈ ગયા હતા.
દરમ્યાન બીજા દિવસે એટલે કે ગુરુવારના રોજ સવારે 6 વાગ્યે નર્સિંગ સ્ટાફે ડોકટરની ઓફિસની પાછળની ગ્રીલ તૂટેલી જોતાં તેમણે તાત્કાલિક ડોક્ટર વશરામભાઈને જાણ કરી હતી. તેમણે નીચે આવીને જોતાં ઓફિસના ટેબલ પર તમામ સામાન વેરવિખેર હતો અને કાઉન્ટર ખુલ્લા હતા. તેમજ હવા ઉજાશ માટેની બારીની ગ્રીલ પાછળ ખેતરમાં પડેલી હતી. કાઉન્ટરમાં 10મી સપ્ટેમ્બરથી 16મી સપ્ટેમ્બર સુધીના વકરાના રૂપિયા 1.50 લાખ, અન્ય પરચુરણ રુપિયા 3000 અને મંદિરમાં મુકેલા રુપિયા 6500 મળી કુલ 1 લાખ 59 હજાર 500 રૂપિયા ચોરી થઈ ગયા હતા.
દરમ્યાન ઓફિસના સીસીટીવી કૅમેરા ચેક કરતાં તેમાં બે અજાણ્યા ઇસમો રાત્રિના અઢી વાગ્યાની આસપાસ ગ્રીલ તોડી ઓફિસમાં પ્રવેશ કરી ચોરીની ઘટનાને અંજામ આપતા નજરે પડે છે. ડોક્ટરે આ અંગે પોલીસને જાણ કરતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી. અને સીસીટીવી ફૂટેજને આધારે તપાસ હાથ ધરી છે.