- ધી સુરત ડિસ્ટ્રીક્ટ કો.ઓ.બેંકના ATMને તસ્કરોએ બનાવ્યું નિશાન
- ATMમાંથી રૂપિયા 2,90,900 રોકડ રકમની કરી ચોરી
- સમગ્ર ઘટના CCTVમાં કેદ
સુરતઃ જિલ્લાના કામરેજ તાલુકાના મોરથાણા ગામે આવેલી ધી સુરત ડિસ્ટ્રીક્ટ કો.ઓ.બેંકનું ATM મશીન તોડી તસ્કરો રૂપિયા 2,90,900 રોકડ રકમની ચોરી કરી નાસી છૂટ્યા હતા. ચોરીની ઘટના ATM સેન્ટરમાં લગાવેલા CCTV કેમેરામાં કેદ થઈ હતી.
મોરથાણા ગામે ATM માંથી તસ્કરે કરી ચોરી
આ અંગે મળતી માહિતી મુજબ કામરેજ તાલુકાનાં મોરથાણા ગામે આવેલી ગ્રાહક સહકારી મંડળીના મકાનમાં ધી સુરત ડિસ્ટ્રીક્ટ કો.ઓ.બેંકનું ATM સેન્ટર આવેલું છે. રવિવારે મધ્યરાત્રી બાદ 1 થી 1:15 કલાકના સમયગાળા વચ્ચે અજાણ્યા તસ્કરે બેન્કના ATM સેન્ટરને નિશાન બનાવ્યું હતું.
બેન્કની મહિલા બ્રાન્ચ મેનેજરે પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ
આ તસ્કરે કોઈ સાધન વડે ATM મશીનનો હૂડ ડોર, મેન ડોર, કેસ ડિસ્પેન્ડસર તોડી ચલણી નોટો મૂકવાની પાંચ કેસેટો બહાર કાઢી તેમાં મુકેલા રોકડ રકમ 2,90,900ની ચોરી કરી ભાગી છૂટ્યો હતો. આ મામલે બેંકની મહિલા બ્રાન્ચ મેનેજર કીતકીબેન પટેલે કામરેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.