બારડોલી: પલસાણા તાલુકાના કડોદરા વિસ્તારમાં આવેલ ગ્રીન સિટી સોસાયટીમાં ત્રણ દિવસ અગાઉ એક ધાર્મિક કાર્યક્રમમાં મહિલાઓ ગરબે રમી રહી હતી ત્યારે એક બિલ્ડિંગના ત્રીજા માળેથી તેમના પર પાણી નાખી રહેલ યુવક નીચે પટકાતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
કાનબાઈ માતાની રથયાત્રામાં દુર્ઘટના: સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કડોદરા વિસ્તારમાં આવેલી પ્રિયંકા ગ્રીન સિટી સોસાયટીમાં ત્રણ દિવસ અગાઉ કાનબાઈ માતાની રથયાત્રા યોજાઈ હતી. આ રથયાત્રામાં મહિલાઓ ગરબે રમી રહી હતી. તે દરમિયાન એક યુવક સોસાયટીના ત્રીજા માળનાં મકાન પર ચડ્યો હતો અને ગરબે રમી રહેલી મહિલાઓ પર પાણી નાખી રહ્યો હતો.
ગેલેરીની સેફટી ગ્રીલ તૂટતાં સર્જાઈ દુર્ઘટના: યુવક જ્યાં ઉભો હતો એ ગેલેરીની સેફ્ટી ગ્રિલ તૂટી જતાં તે ત્રીજા માળેથી નીચે પટકાયો હતો. ગરબે રમી રહેલી મહિલાઓ બાલબાલ બચી ગઈ હતી. ત્યાં હાજર સૌ કોઈના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. યુવકને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્રણ દિવસ પહેલાં બનેલી ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેને લઈને આ ઘટના ટોક ઓફ ધી ટાઉન બની છે.
રમત કરવી પડી ભારે: ઉલ્લેખનીય છે કે આ પહેલા સુરતના કાપોદ્રા વિસ્તારમાં કિરણ પાર્ક સોસાયટીમાં નાનો છોકરો સાયકલ થોડી વાંકી ચુકી ચલાવીને રહ્યો હતો. ત્યારે બમ્પર આવતા સાઈકલનું ટાયર નીકળી જતા તેઓ નીચે પડ્યો હતો. બાળક રોડ પર પટકાતા બેભાન થઈ ગયો હતો. બાળક બેભાન થઈ જતા લોકો દોડી આવ્યા હતા. બાળકને સારવાર માટે તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.