સુરતઃ જિલ્લામાં બારડોલી તાલુકાના કડોદ ગામ નજીક તાપી નદી પર બનાવવામાં આવેલો કોઝવે માંડવી તાલુકાના 14 ગામો માટે આશીર્વાદ સમાન છે. પરંતુ ચોમાસામાં આ કોઝવે વારંવાર પાણીમાં ગરક થઈ જતો હોવાથી લોકોને ઘણી મુશ્કેલી પડી રહી છે. હાલ પાણી ઉતરી જતાં કોઝવે વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાયો છે, પરંતું કોઝવેના રસ્તા પર પડેલા મસમોટા ખાડાઓના કારણે વાહન ચાલકોની સમસ્યામાં વધારો થયો છે.
ઉકાઈ ડેમમાંથી પાણી છોડવાનું બંધ થતાં જ કડોદ નજીક તાપી નદી પર આવેલો હરીપુરા કોઝવે પરથી પાણી ઉતરી ગયા હતા. પરંતુ સતત પાણીની થપાટને કારણે કોઝવે ઉપરનો રોડ બિસ્માર બન્યો છે. રોડ પર અનેક ખાડાઓને કારણે વાહન ચાલકોને પસાર થવું મુશ્કેલ બની ગયું છે. કોઝવેની બંને તરફ સલામતી માટેની રેલિંગ પણ ન હોવાથી વાહન ચાલકો માટે અહીથી પસાર થવું જોખમી પુરવાર થઈ રહ્યું છે.
ચોમાસામાં ભારે વરસાદને કારણે તાપી નદીની જળ સપાટી વધતાં જ કડોદ નજીક આવેલો કોઝવે પાણીમાં ડૂબી જાય છે અને માંડવીના 14 જેટલા ગામોનો કડોદ અને બારડોલી સાથેનો સીધો સંપર્ક તૂટી જાય છે. દર વર્ષ આ સમસ્યા સર્જાઇ છે, પરંતું અહીના લોકોની સમસ્યા કોઈ સાંભળતું નથી. ગત રવિવારે ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા આ કોઝવે પાણીમાં ડૂબી ગયો હતો. જેને કારણે વાહન વ્યવહાર માટે આ કોઝવે બંધ કરી દેવામાં આવ્યો હતો.
જો કે, હાલ ડેમમાંથી પાણી છોડવાનું બંધ કરવામાં આવતા તાપી નદીની જળસપાટીમાં ઘટાડો થયો છે. આ સાથે જ કોઝવે પરથી પણ પાણી ઉતરી જતાં વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે. પરંતુ વારંવાર ધસમસતા પાણી પસાર થવાને કારણે કોઝવે પર બનાવેલા ડામર રોડની હાલત અત્યંત ખરાબ થઈ ચૂકી છે. વાહન ચાલકોએ અહીંથી પસાર થવું પણ મુશ્કેલ બની ગયું છે. ઠેર ઠેર મસમોટા ખાડાને કારણે વાહન ચલાવવું અતિ મુશ્કેલ બન્યું છે. કોઝવેની બંને તરફ સલામતીની કોઈ વ્યવસ્થા ન હોય જરા અમથી ભૂલ પણ વાહન ચાલકો માટે જીવનું જોખમ ખડું કરી શકે એમ છે. ત્યારે તંત્ર દ્વારા વહેલી તકે કોઝવેની મરામત કરી રસ્તો બનાવવામાં આવે તેવી માગ આજુબાજુના ગ્રામજનો કરી રહ્યા છે.