સુરત: વરાછા વિસ્તારમાં કર્ફ્યૂ દરિમયાન ફરજ બજાવી રહેલી મહિલા પોલીસકર્મી સાતગે સાથે આરોગ્ય પ્રધાનના પુત્ર અને તેના મિત્રોએ અભદ્ર વર્તન કર્યુ હતું. જેનો એક ઓડિયો વાયરલ થતાં પોલીસ બેડામાં ખળભડાટ મચ્યો છે, તો બીજી તરફ મહિલા પોલીસકર્મીની રજૂઆતને ધ્યાનને ન લેતાં તેણે રાજીનામાની અરજી કરી છે.
મળતી માહિતી પ્રમાણે, ગુરુવારે મોડી રાત્રે બનેલી એક ઘટના હાલ સુરત સહિત રાજ્યના ચર્ચાનો વિષય બની છે. સુરત શહેર પોલીસના હેડ ક્વાર્ટર ખાતે ફરજ બજાવતી લોકરક્ષક કોન્સ્ટેબલ સુનિતા યાદવ, પોલીસ અધિકારી આરોગ્ય રાજ્ય પ્રધાન કુમાર કાનાણીના પુત્ર વચ્ચેની વાતચીતનો ઓડિયો સામે આવ્યો છે. ગુરૂવારે રાત્રે સુરતના વરાછા વિસ્તારમાં આવેલા હીરાબજારમાં કારમાં માસ્ક વગર પાંચ યુવકો રસ્તા પર ફરી રહ્યા હતાં. કર્ફ્યુનો ભંગ થતો હોવાથી સુનિતા યાદવે તેમને અટકાવ્યા હતા. જેના પગલે યુવાનો અને પોલીસકર્મી વચ્ચે માથાકૂટ થઈ હતી. આ સમગ્ર ઘટના વચ્ચે યુવકોએ આરોગ્ય રાજ્ય પ્રધાન કુમાર કાનાણીના દીકરા પ્રકાશ કાનાણીને ફોન કર્યો હતો અને થોડીવારમાં પ્રકાશ ત્યાં આવ્યો હતો. ત્યારબાદ બંને વચ્ચે મામલો બીચકયો હતો.
- ઓડિયો કલીપમાં થયેલી વાતચીતના અંશ...
જે ઓડિયો વાઇરલ થયાં છે, તેમાં પોલીસકર્મી કહી રહ્યાં છે કે યુવાનો પૈકી કોઈએ અપશબ્દો કહ્યાં છે, પણ મને ઉપરી અધિકારીએ આદેશ આપ્યો છે એટલે અહીંથી હાલ જઈ રહી છું. પોલીસની વર્દીમાં બહુ પાવર છે. મારામાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઉભા રાખવાની ત્રેવડ છે. તમારામાં જે ત્રેવડ હોય તે લગાવી દેજો, રાજ્યના પોલીસ વડા પાસે નહીં વડાપ્રધાન પાસે પહોંચવાની ત્રેવડ છે મારી. મારી બદલી કરાવી દો. મારે ગાંધીનગર જવું છે, બહુ મગજમારી નથી કરવી, સસ્તામાં કરાવી દેજો. ઓડિયોમાં સુનિતા યાદવ સતત મને અહીં 365 દિવસ ઉભી રાખશે એવું તને કહેવાની સત્તા કોણે આપી. પ્રધાનનો દીકરો છે તો શું થયું તેવા શબ્દો બોલતા હતાં. પોતાની નોકરીમાં પડી રહેલી મુશ્કેલીઓ અંગે પણ યાદવ જોરજોરથી બોલી રહ્યાં હતાં. ઓડિયોમાં સુનિતા યાદવ મોટા અવાજે પોતાનો ગુસ્સો યુવાનો અને અન્ય લોકો પર ઠાલવી રહી હતી.
નોંધનીય છે કે, સમગ્ર મામલે કોન્સ્ટેબલે વરાછા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર બી.એન.સગરને પણ જગ્યા પરથી ફોન કર્યો હતો અને આખી વાત કહીં હતી. જો કે, બાદમાં સુનિતા યાદવની ડ્યુટી વિડ્રો કરી દેવામાં આવી હતી અને તેમને જગ્યા છીડી દેવાનું કહેવામાં આવ્યું હતું. જો કે, એક ઓડિયોમાં પોલીસ અધિકારી સાથે પણ સુનિતા યાદવ અયોગ્ય વર્તન કરતાં જણાય છે.
પોલીસ કમિશનર આર.બી બ્રહ્મભટ્ટે કહ્યું હતું કે, સમગ્ર ઘટનાનો ઓડિયો સાંભળ્યો છે અને સમગ્ર ઘટના અંગે તપાસ કરી જેની પણ ભૂલ હશે તેની સામે પગલાં લેવામાં આવશે.